ડભોઈ ચૂંટણી જંગમાં ‘રણમેદાન’ જેવો માહોલ: ધારાસભ્ય શૈલેષ સોટ્ટા અને કોંગ્રેસ પ્રમુખ વચ્ચે ધોલધપાટ
-
ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા.
-
લીંગસ્થળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પાટણવાડીયાએ અચાનક ફોર્મ પાછું ખેંચતા વિવાદ વકર્યો.
-
ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) અને કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ વચ્ચે રસ્તા પર જ ઝપાઝપી થઈ.
વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ રાજકારણ ગંદુ બન્યું છે. ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારે હંગામો અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) અને ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ વચ્ચે થયેલી ઝપાઝપીએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે.
ઘટનાની વિગત મુજબ, ડભોઈ તાલુકા પંચાયતની લીંગસ્થળી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પાટણવાડીયાએ છેલ્લી ઘડીએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. આ આકસ્મિક વળાંક બાદ કોંગ્રેસના કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ દ્વારા ડરાવી-ધમકાવીને અથવા લાલચ આપીને તેમના ઉમેદવારોને બેસાડી દેવામાં આવી રહ્યા છે. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી.
સ્થિતિ એટલી હદે વણસી હતી કે ધારાસભ્ય શૈલેષ સોટ્ટા અને કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ એકબીજા સાથે ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. આ જોઈ બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર હુમલો કરી દીધો હતો. મારામારીને પગલે અફરાતફરી મચી ગઈ હતી અને કેટલાક કાર્યકરોને ઈજાઓ પણ પહોંચી હતી. મામલો કાબૂ બહાર જતો જોઈ સ્થાનિક પોલીસે વધારાનો કાફલો બોલાવીને બળપ્રયોગ કરી ભીડને વિખેરી હતી.
આ ભારે હોબાળા અને વિરોધ પક્ષના મેદાન છોડ્યા બાદ, ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ લીંગસ્થળી બેઠક પરથી બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જોકે, ચૂંટણી જીતવા માટેના આ પ્રકારના કાવા-દાવા અને મારામારીની ઘટનાએ સ્થાનિક રહીશોમાં રોષ ફેલાવ્યો છે. હાલ ડભોઈમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત છે, પરંતુ આ ઘટનાની અસર આગામી મતદાન પર ચોક્કસપણે જોવા મળશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. બંને પક્ષોએ હવે આ મામલે એકબીજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.