Loading Please Wait !!!
BCA માં 'હાઈકોર્ટ' ના આદેશનો ભંગ? એપેક્ષ કમિટિની બેઠક બોલાવતા ક્રિકેટ જગતમાં મોટો વિવાદ!

  • ચૂંટણી પહેલા જ ખટરાગ: કેર-ટેકર બોડીને માત્ર દૈનિક કામની છૂટ હોવા છતાં બેઠકનો નિર્ણય - કિરણ મોરે જૂથની લાલ આંખ
  • એપેક્ષ કમિટિની ટર્મ પૂર્ણ થઈ હોવા છતાં આમંત્રણ કેમ? - સેક્રેટરીની સત્તા સામે પૂર્વ ઉપપ્રમુખે ઉઠાવ્યા ગંભીર સવાલો
  • રુટીન વહીવટની આડમાં મોટા ખેલની આશંકા - વિરોધ પક્ષના ઉમેદવારોને આમંત્રણ ન મળતા પારદર્શિતા સામે સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) માં ચૂંટણી પહેલાનો માહોલ અત્યારે મેદાન કરતા કોર્ટ અને કચેરીઓમાં વધુ ગરમાયો છે. આગામી 3 એપ્રિલે એપેક્ષ કમિટિની બેઠક બોલાવવાના નિર્ણયે નવો વિવાદ છેડ્યો છે. હાઈકોર્ટે બીસીએના વર્તમાન વહીવટદારોને માત્ર 'કેર-ટેકર' તરીકે કામ કરવાની મંજૂરી આપી હોવા છતાં, એપેક્ષ કમિટિની બેઠક યોજવી તે કાયદાકીય રીતે જોખમી સાબિત થઈ શકે છે.

નીતિગત નિર્ણયો પર પ્રતિબંધ છતાં બેઠક કેમ? હાઈકોર્ટના સ્પષ્ટ નિર્દેશ છે કે બીસીએ અત્યારે કોઈ પણ મોટા કે નીતિગત નિર્ણયો લઈ શકે નહીં. વિરોધ પક્ષના ઉમેદવારોનો આક્ષેપ છે કે એપેક્ષ કમિટિની ટર્મ જ પૂર્ણ થઈ ગઈ હોવાથી તેની બેઠક બોલાવવાનો સેક્રેટરીને કોઈ અધિકાર નથી. વળી, આ બેઠકમાં તમામ સભ્યોને આમંત્રણ ન આપીને અમુક સભ્યોને દૂર રાખવા પાછળ કોઈ ગુપ્ત એજન્ડા હોવાની શંકા સેવી રહ્યા છે. જો આ બેઠકમાં કોઈ મહત્વપૂર્ણ ઠરાવ પસાર થશે, તો તે અદાલતના તિરસ્કાર સમાન ગણાશે.

7 એપ્રિલની સુનાવણી પર સૌની મીટ નોંધનીય છે કે, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિતના ચાર ઉમેદવારોની યોગ્યતા અંગેનો મામલો અત્યારે હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ છે. જેની સુનાવણી 7 એપ્રિલે થવાની છે. આ દરમિયાન વચગાળાની વ્યવસ્થા તરીકે માત્ર ઓફિસ બેરરોને દૈનિક કામકાજ સંભાળવાની છૂટ અપાઈ છે. પૂર્વ ઉપપ્રમુખના જણાવ્યા મુજબ, કોઈપણ એજન્ડા વગર કે ખાનગીમાં મળતી આવી બેઠકો ગેરકાયદે છે. હવે જોવાનું એ રહેશે કે 3 એપ્રિલની આ બેઠક ખરેખર યોજાય છે કે પછી કાયદાકીય ભીંસના કારણે બીસીએ તેને મોકૂફ રાખે છે.