રામ મંદિરના દાનમાં ચોરી કરનાર કર્મચારીઓ જ ઝડપાયા
-
ફૈઝાબાદ જિલ્લા કોર્ટમાં પોલીસે દાખલ કરી ચાર્જશીટ
-
કાઉન્ટિંગ રૂમમાં નોટોની ગડીઓ છુપાવતા ઝડપાયા કર્મચારીઓ
-
સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ચેટ બન્યા મુખ્ય પુરાવા
સિટી ન્યુઝ @ લખનઉ
અયોધ્યા રામ મંદિરના દાન ચોરીના ગંભીર મામલામાં પોલીસે ગુરુવારે ફૈઝાબાદ જિલ્લા કોર્ટમાં આશરે 73,480 પાનાંની વિશાળ ચાર્જશીટ દાખલ કરી છે. દાનની રકમ ચોરી થવાનો આ શરમજનક મામલો પહેલીવાર 4 જૂન, 2026ના રોજ પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં ગણતરી રૂમમાં જ કર્મચારીઓ દ્વારા લાખોની રકમની હેરાફેરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે કાઉન્ટિંગ રૂમમાં કર્મચારીઓને દાનના રૂપિયા કમરમાં છુપાવતા એક જાગૃત કર્મચારી આનંદ ચૌધરીએ નજરે જોયા હતા. આ કર્મચારીએ તાત્કાલિક તદ્કાલીન ટ્રસ્ટ મહાસચિવ ચંપત રાયને જાણ કરીને વીડિયો પણ મોકલી આપ્યો હતો, જેમાં કેટલાક કર્મચારીઓ નોટોની ગડીઓ છુપાવતા સ્પષ્ટ નજરે પડી રહ્યા હતા. આનંદે આશંકા વ્યક્ત કરી હતી કે આ સમગ્ર કૌભાંડમાં આશરે 67 કર્મચારીઓ સંડોવાયેલા હોઈ શકે છે.
પોલીસ તપાસ દરમિયાન મંદિર પરિસરના સીસીટીવી ફૂટેજની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં દાન ચોરી સાથે જોડાયેલી 105 જેટલી ઘટનાઓ કેમેરામાં રેકોર્ડ થયેલી મળી આવી હતી. પોલીસે આ કેસમાં 8 મુખ્ય આરોપીઓ વિરુદ્ધ સીસીટીવી ફૂટેજ, મોબાઈલમાંથી મળેલા ડિજિટલ પુરાવા, સાક્ષીઓના 173 નિવેદનો, બેંક ખાતાઓમાં રોકડ જમા કરાવવાના પુરાવા અને સંપત્તિઓની ખરીદીના દસ્તાવેજો રજૂ કર્યા છે.
પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આ ચોરીમાં કોઈ બહારની વ્યક્તિ સામેલ નહોતી, પરંતુ કાઉન્ટિંગ રૂમમાં ગણતરી અને છટણીની જવાબદારી સંભાળતા કર્મચારીઓએ જ આ કારસ્તાન આચર્યું હતું. સીસીટીવી ફૂટેજ ઉપરાંત અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા અને લવકુશ મિશ્રા વચ્ચે થયેલી મોબાઈલ ચેટ તથા કોલ ડિટેલ રેકોર્ડ (CDR) માંથી રોકડની ગડીઓ હટાવવા અને અદલાબદલી કરવાના મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.
આ સનસનાટીભર્યા કેસમાં ટ્રસ્ટના ભૂતપૂર્વ પદાધિકારીઓને આરોપીને બદલે મહત્વના સાક્ષી બનાવવામાં આવ્યા છે, અને પોલીસે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે. પવિત્ર ધામમાં થયેલી આ ધનચોરીની ઘટનાએ ધાર્મિક વર્તુળોમાં ભારે ચકચાર મચાવી દીધી છે અને નૈતિકતાના ધોરણો પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ધાર્મિક સ્થળોએ પારદર્શિતા અને જવાબદારી
કોઈપણ આસ્થાના પ્રતિક સમાન પવિત્ર ધાર્મિક સ્થળો પર ભક્તો દ્વારા આપવામાં આવતી શ્રદ્ધાની રકમ અને દાનની સુરક્ષા માટે અત્યાધુનિક ટેકનોલોજી, પારદર્શક ઓડિટ સિસ્ટમ તથા કડક નિરીક્ષણ વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય છે જેથી આવા ગેરરીતિના કિસ્સાઓ ભવિષ્યમાં અટકી શકે અને ટ્રસ્ટની પવિત્રતા તથા વિશ્વસનિયતા હંમેશાં અક્ષुण્ણ જળવાઈ રહે.