Loading Please Wait !!!
વડોદરામાં CM ના બંદોબસ્તમાં પોલીસ પર હુમલો: બાઈક રોકવા મુદ્દે વાઘોડિયાના પરિવારે ASI સાથે કરી ઝપાઝપી

 

  • ‘તારી નોકરી છોડાવી દઈશું’ કહી આપી ધમકી; સમા પોલીસે મહિલા સહિત પરિવારના 3 સભ્યો સામે નોંધી FIR

  •  મુખ્યમંત્રીના કોન્વોય પૂર્વે વાહન રોકવાનું કહેતા મામલો બિચક્યો; ગાળો ભાંડી પોલીસનો વીડિયો ઉતારી ધમકાવ્યા

  • ઝપાઝપી દરમિયાન પોલીસની વર્ધી ખેંચી અને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી; વડોદરા પોલીસે કડક વલણ અપનાવ્યું

    વડોદરા શહેરમાં મુખ્યમંત્રીના VVIP બંદોબસ્ત દરમિયાન ફરજ બજાવતા પોલીસકર્મી સાથે ગંભીર ગેરવર્તણૂક અને હુમલાની ઘટના સામે આવી છે. ટ્રાફિક ક્લિયર કરાવતી વખતે વાહન રોકવાનું કહેતા વાઘોડિયાના એક પરિવારે ઉશ્કેરાઈને એએસઆઈ (ASI) સાથે ઝપાઝપી કરી હતી અને પોલીસકર્મીને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. સમા પોલીસે આ મામલે કડક વલણ અપનાવી મહિલા સહિત પરિવારના ૩ સભ્યો સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

    બાઈક રોકવા મુદ્દે વિવાદ ઘટનાની વિગતો મુજબ, ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડોદરા પ્રવાસને લઈને દુમાડ ચોકડી બ્રિજ નીચે ચુસ્ત બંદોબસ્ત હતો. રાત્રે ૯:૨૬ વાગ્યે સીએમનો કોન્વોય પસાર થવાનો હોવાથી એક્સપ્રેસ હાઈવે તરફથી આવતા વાહનોને રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન ASI અજીતસિંહે એક બાઈક સવારને રોકવાનો ઈશારો કર્યો હતો, જેનાથી ઉશ્કેરાઈને બાઈક સવાર કૌશિક પટેલે તોછડું વર્તન કરી ગાળો આપવાનું શરૂ કર્યું હતું.

    મહિલાએ વીડિયો ઉતારી પોલીસને ધમકાવ્યા મામલો ત્યારે વધુ બિચક્યો જ્યારે બાઈક સવારની સાથે રહેલા અન્ય સભ્યો અને ઈકો કારમાંથી ઉતરેલા મહિલા-પુરુષે પોલીસકર્મી સાથે ઝપાઝપી શરૂ કરી. હુમલો કરનાર પૈકી ફાલ્ગુનીબેન નામની મહિલાએ મોબાઈલમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યું અને 'તને સસ્પેન્ડ કરાવી દઈશું' તેવી ધમકીઓ આપી હતી. જોકે, અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાબડતોબ સ્થળ પર પહોંચી ગયા હતા અને હુમલો કરનાર કૌશિક પટેલ, પ્રેમલ પટેલ અને ફાલ્ગુનીબેનને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ અને હુમલાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.