વડોદરામાં અબોલ જીવો પર અત્યાચાર: ત્રણ ગલૂડિયાને કોથળામાં ભરી કારમાં લઈ જતી મહિલાઓ CCTV માં કેદ, પોલીસ ફરિયાદ નોંધાઈ
-
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પ્રાણીપ્રેમીઓમાં રોષ; બાપોદ પોલીસે અજાણી મહિલાઓ સામે તપાસ તેજ કરી
-
અમદાવાદના લેક્ચરર અને પ્રાણી કલ્યાણ સંસ્થાના કાર્યકરે નોંધાવી ફરિયાદ; ગલૂડિયા ક્યાં છે તે હજુ રહસ્ય
-
પીપલ ફોર એનિમલ અને કેરએસ્ટે ફાઉન્ડેશન એક્શનમાં; પોલીસ હાઈ-પ્રોફાઈલ કાર ચાલકની કરી રહી છે શોધખોળ
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાનો એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પંચમ ડુપ્લેક્સ વિસ્તારમાં ચાર અજાણી મહિલાઓએ ત્રણ નાના ગલૂડિયાને પકડીને એક કોથળામાં પૂરી દીધા હતા અને ત્યારબાદ તેને કારમાં ભરીને અજાણ્યા સ્થળે લઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પ્રાણીપ્રેમી સંસ્થાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સીસીટીવીમાં કેદ થઈ ક્રૂરતા ઘટનાની વિગતો મુજબ, ગત ૧૫ એપ્રિલના રોજ રઘુકુળ સ્કૂલ પાસે આ ચાર મહિલાઓએ ગલૂડિયાને બોરીમાં પૂર્યા હતા. આ દરમિયાન એક ફોર-વ્હીલર કારનો ચાલક ત્યાં આવ્યો હતો અને આ બોરી કારમાં મૂકીને રવાના થઈ ગયો હતો. આ વીડિયો પીપલ ફોર એનિમલ-૨ અને કેરએસ્ટે ફાઉન્ડેશનના કાર્યકરો સુધી પહોંચતા તેમણે ગલૂડિયાની શોધખોળ કરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
બાપોદ પોલીસ મથકે ફરિયાદ આખરે અબોલ જીવો પ્રત્યેની આ ક્રૂરતા બદલ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા અને પ્રાણી કલ્યાણ સાથે જોડાયેલા સમીરભાઈ ગજ્જરે બાપોદ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને મહિલાઓની ઓળખ કરવા અને ગલૂડિયા કયા સ્થળે છે તેની તપાસ કરવા ચક્રગતિમાન કર્યા છે.