Loading Please Wait !!!
આણંદપરમાં સરકારી જમીન પરથી 39 દબાણો હટાવાયા

=> સર્વે નંબર 207 પૈકીની રૂા.50થી 60 કરોડની સરકારી જમીન ઉપર લાંબા સમયથી ખડકાઇ ગયેલા 100 જેટલા દબાણો હટાવવા રેવન્યુ તંત્ર મેદાને: 35 પાકા મકાન અને 4 કોમર્શિયલ દુકાનો હટાવી

સિટી ન્યૂઝ@રાજકોટ

લાંબા સમયના બ્રેક બાદ રાજકોટ જિલ્લા રેવન્યુ તંત્રના બુલડોઝરો ફરી એકવાર આજે ધણધણ્યા  હતા અને રાજકોટ તાલુકામાં આણંદપર નવાગામની સરકારી જમીન ઉપર લાંબા સમયથી ખડકાઇ ગયેલા પાકા મકાનો અને કોમર્શિયલ દુકાનોના દબાણો ઉપર ફરી વળ્યા હતા અને કરોડો રુપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજકોટ જિલ્લા કલેક્ટરે સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર થયેલા દબાણોનો સર્વે કરી તાત્કાલીક આવા દબાણો હટાવવા માટે જિલ્લાના દરેક મામલતદારોને સુચના આપવામાં આવેલ હતી. આ સુચના અનુસંધાને રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા આણંદપર નવાગામની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ખડકાઇ ગયેલા દબાણોનો સર્વે કરી જિલ્લા કલેક્ટરને રીપોર્ટ કર્યો હતો.

આ રીપોર્ટ બાદ જિલ્લા કલેક્ટરની સુચના મુજબ આજરોજ રાજકોટ તાલુકા મામલતદાર અને તેની ટીમ દ્વારા ચુસ્તપોલીસ બંદોબસ્ત સાથે દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવેલ હતો. રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટની ભાગોળે આવેલા આણંદપર નવાગામની સર્વે નંબર 207 પૈકીની અંદાજીત 12 એકર જેટલી અને રુપિયા 50 થી 60 કરોડની કિંમતની જમીન ઉપર લાંબા સમયથી રહેણાંક અને કોમર્શિયલ સહિતના 100 જેટલા દબાણો ખડકાઇ ગયેલા છે. આ દબાણો પૈકી આજરોજ આણંદપર નવાગામના સર્વે નં. 207 પૈકીની 6000 ચો.મી. જેટલી જમીન પરથી 35 જેટલા પાકા મકાનો અને ચાર કોમર્શિયલ દુકાનો સહિતના દબાણો હટાવી દેવામાં આવ્યા હતા અને આજરોજ રુપિયા 12 કરોડ જેટલી કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઇ દેવામાં આવી હતી.