ગુજરાતમાં રૂ. 634 કરોડનું SD PAY કૌભાંડ: અમરેલી સાયબર ક્રાઇમે ડિરેક્ટર સહિત 6 આરોપી ઝડપ્યા
-
અમરેલી સાયબર ક્રાઈમની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કંપનીના સંચાલકોની ધરપકડ
-
પ્લે સ્ટોર પર 10 લાખ ડાઉનલોડ ધરાવતી એપ મારફતે 1 હજારથી 5 લાખ સુધીનું રોકાણ કરાવ્યું
-
દૈનિક 0.15% થી 0.30% વળતર અને 30% સુધી રેફરલ કમિશનની લાલચ આપી ઠગાઈ આચરી
સિટી ન્યુઝ @ અમરેલી
સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી અત્યંત ટૂંકા ગાળામાં અસાધારણ આર્થિક વળતરની લોભામણી લાલચ આપી સમગ્ર રાજ્યભરના દોઢ લાખથી વધુ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવાના એક વિશાળ રેકેટનો અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. 'SD Pay' અને 'Apna Pay' નામની મોબાઇલ એપ્લિકેશન્સ મારફતે આચરવામાં આવેલા આશરે રૂ. 634 કરોડના મહાકૌભાંડમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કંપનીના ડિરેક્ટર સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓએ 'S.D. Pay' એપ્લિકેશન લોન્ચ કરી સામાન્ય નાગરિકો પાસેથી રૂ. 1 હજારથી લઈને રૂ. 5 લાખથી વધુ રકમનું રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું. રોકાણકારોને આકર્ષવા માટે દૈનિક 0.15% થી 0.30% સુધીનું ચોક્કસ વળતર ચૂકવવાની જાહેરાતો કરવામાં આવી હતી. આ ઉપરાંત વધુ લોકોને જોડવા માટે 15 અલગ-અલગ લેયર સુધી 3% થી 30% જેટલું જંગી રેફરલ બોનસ આપવાની જાળ બિછાવી હતી. ગુગલ પ્લે સ્ટોર પર 10 લાખથી વધુ ડાઉનલોડ્સ ધરાવતી આ એપ દ્વારા આરોપીઓએ પોતાના રેફરલ નેટવર્કથી રાજ્યના દોઢથી પોણા બે લાખ લોકોને સભ્ય બનાવી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા.
આ છેતરપિંડી આચરવા માટે બનાવેલા રોકાણ સ્લેબ અનુસાર, રૂ. 1,000 થી રૂ. 25,000 ના રોકાણ પર દૈનિક 0.15%, રૂ. 25,000 થી રૂ. 1 લાખ પર 0.20%, રૂ. 1 લાખ થી રૂ. 5 લાખ પર 0.25% અને રૂ. 5 લાખથી વધુના રોકાણ પર દૈનિક 0.30% વળતરની લાલચ અપાતી હતી.
આ મામલે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ મથકે BNS ની વિવિધ કલમો, બાનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ્સ એક્ટ (BUDS), GPID એક્ટ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી SIT ની રચના કરવામાં આવી હતી. ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ રોકાણકારોના નાણાં મેળવવા અને સગેવગે કરવા માટે 'S.D. Hub (OPC) Pvt. Ltd.', 'Shiv Dharti Communication' તેમજ 'Upay Digi Payment India' જેવી ડમી કંપનીઓ ઊભી કરી હતી. આ શંકાસ્પદ કંપનીઓના 15 જેટલા બેંક ખાતાઓમાં રૂ. 634 કરોડની જંગી રકમ જમા થઈ હોવાનું ખુલ્યું છે. આ સિવાય આરોપીઓના અંગત 30 થી 35 બેંક ખાતાઓ પણ તપાસ દરમિયાન સામે આવ્યા છે.
સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં સૂર્યસિંહ રાઠોડ (ઉં.વ. 24, રહે. માણસા, ગાંધીનગર), આશિષ ગેડિયા (ઉં.વ. 38, મૂળ સાવરકુંડલા, હાલ સુરત), ભાવેશ ચૌહાણ (ઉં.વ. 41, મૂળ સાવરકુંડલા, હાલ સુરત), નિશી પ્રસાદ (ઉં.વ. 47, રહે. મહેસાણા, મૂળ બિહાર), સોહિલ મકવાણા (ઉં.વ. 26, રહે. મહેસાણા) અને નિરવકુમાર પટેલ (ઉં.વ. 32, રહે. બલોલ, મહેસાણા) નો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર ચકાસણી દરમિયાન આ ગેંગના 12 બેંક ખાતાઓ સામે દેશભરમાંથી 83 સાયબર ફ્રોડની ફરિયાદો લિંક હોવાનું પણ બહાર આવ્યું છે.
રૂ. 634 કરોડનું SD PAY કૌભાંડ ઝડપાયું
અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે SD Pay અને Apna Pay એપ દ્વારા દોઢ લાખથી વધુ રોકાણકારો સાથે રૂ. 634 કરોડની ઠગાઈ આચરનાર 6 આરોપીઓની ધરપકડ કરી છે. દૈનિક વળતર અને રેફરલ બોનસની લાલચ આપી ડમી કંપનીઓના 15 બેંક ખાતામાં નાણાં જમા કરાવાયા હતા. આરોપીઓ સામે દેશભરમાં 83 સાયબર ફરિયાદો નોંધાયેલી છે.