Loading Please Wait !!!
અલંગ ઉદ્યોગ પર યુદ્ધના વાદળો: ઈરાન-ઈઝરાયેલ તણાવને કારણે શિપ રિસાયકલિંગમાં મોટો ઘટાડો!

  • માર્ચમાં 25 શિપના અંદાજ સામે આવ્યા માત્ર 7 - આંતરરાષ્ટ્રીય અસ્થિરતા અને ડોલરના ભાવે ખેલ બગાડ્યો
  • જરૂરિયાત સામે માત્ર 25% ગેસનો પુરવઠો ઉપલબ્ધ - આગામી દિવસોમાં કામગીરી ઠપ્પ થવાની ભીતિ
  • માર્ચ મહિનામાં અપેક્ષા કરતા શિપની સંખ્યા ઘટી - અમેરિકા અને મધ્ય-પૂર્વના તણાવની સીધી અસર

એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ માટે નાણાકીય વર્ષ 2025-26 નો અંતિમ મહિનો પડકારજનક સાબિત થયો છે. માર્ચ મહિનામાં શિપ બ્રેકિંગ ક્ષેત્રે તેજીની આશા હતી, પરંતુ ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં અસ્થિરતા સર્જાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્ચમાં 25 શિપ આવવાનું અનુમાન હતું, જેની સામે માત્ર 7 શિપ જ બીચ થયા છે.

આંતરરાષ્ટ્રીય પરિબળો અને ડોલરનો ફટકો શિપ બ્રેકિંગ ઉદ્યોગ સીધો વૈશ્વિક પરિસ્થિતિ અને ડોલરના ભાવ સાથે જોડાયેલો છે. ડોલરના ભાવમાં થતી વધઘટને કારણે શિપ ખરીદવા બ્રેકરો માટે મુશ્કેલ બન્યા છે. વધુમાં, મધ્ય-પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે શિપિંગ રૂટ્સ અને ઈન્સ્યોરન્સના દરો પર અસર પડી છે, જેના કારણે જૂના જહાજો અલંગ સુધી પહોંચવાની ગતિ ધીમી પડી છે.

ગેસની અછત: બળતામાં ઘી હોમ્યું શિપ કટિંગ માટે અનિવાર્ય એવા ગેસનો પુરવઠો હાલમાં જરૂરિયાત સામે માત્ર 25 ટકા જ મળી રહ્યો છે. હાલમાં શિપ બ્રેકરો જૂના સ્ટોકથી કામ ચલાવી રહ્યા છે, પરંતુ જો પુરવઠો સામાન્ય નહીં થાય તો હજારો શ્રમિકોની રોજીરોટી પર સંકટ આવી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે સમગ્ર વર્ષ દરમિયાન શિપની સંખ્યામાં ગત વર્ષની તુલનામાં 113 થી વધીને 119 થઈ છે, જે ટનેજની દ્રષ્ટિએ પણ સામાન્ય વૃદ્ધિ દર્શાવે છે. પરંતુ માર્ચના આંકડાએ ઉદ્યોગપતિઓમાં આગામી વર્ષ માટે ચિંતા જગાવી છે.

બે નાણાકીય વર્ષની સરખામણી (ટેબલ)

 
માસ 2024-25 (શિપ) 2025-26 (શિપ)
એપ્રિલ 3 9
સપ્ટેમ્બર 7 15
ઓક્ટોબર 12 16
ફેબ્રુઆરી 10 16
માર્ચ 11 7
કુલ 113 119