Loading Please Wait !!!
10 પાસ યુવાનો માટે સુવર્ણ તક: જામનગર ITIમાં એડમિશન શરૂ, ચૂકતા નહીં

  •  તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવા સંસ્થાઓમાં શરૂ કરાયા ખાસ ફ્રી હેલ્પ ડેસ્ક
  • શૈક્ષણિક સત્ર 2026-27 માટે સત્તાવાર પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
  • ઓનલાઈન ફોર્મ ભરવામાં મદદ માટે તમામ ITI ખાતે વિનામૂલ્યે હેલ્પ સેન્ટર કાર્યરત

સિટી ન્યુઝ @ જામનગર

જામનગરની તમામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) માં શૈક્ષણિક સત્ર 2026-27 માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. રોજગારીલક્ષી ટેકનિકલ કોર્સમાં જોડાવા માંગતા અને ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે આ એક મોટી તક છે. રસ ધરાવતા તમામ ઉમેદવારો આગામી 23 જૂન, 2026 સુધી સરકારના સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાના મનપસંદ ટ્રેડમાં ઓનલાઈન અરજી કરી શકશે.

પ્રવેશ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે જામનગરની તમામ ITI ખાતે વિનામૂલ્યે હેલ્પ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારના કે ઓછી માહિતી ધરાવતા વિદ્યાર્થીઓ આ કેન્દ્રો પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવા અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવી શકે છે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને સમયમર્યાદા પહેલાં જ પોતાની નોંધણી કરાવી લેવા ખાસ અપીલ કરવામાં આવી છે, જેથી અંતિમ દિવસોમાં સર્વર પર આવતી ભીડ અને ટેકનિકલ ખામીઓથી બચી શકાય.

જામનગર ITI માંથી તાલીમ મેળવનારા વિદ્યાર્થીઓ સતત ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે. તાજેતરમાં જ ITI જામનગરના ત્રણ તાલીમાર્થીઓની અગ્નિવીરમાં પસંદગી થઈ છે, જ્યારે અન્ય 7 તાલીમાર્થીઓ માર્ગ અને મકાન વિભાગમાં નોકરી મેળવવામાં સફળ રહ્યા છે. સંસ્થા માટે આ એક નોંધપાત્ર સિદ્ધિ છે જે સાબિત કરે છે કે યોગ્ય સ્કિલ ડેવલપમેન્ટથી સરકારી નોકરી મેળવવી એકદમ સરળ બની જાય છે.

રોજગારી માટે બેસ્ટ પ્લેટફોર્મ આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર ડિગ્રી કરતા ટેકનિકલ સ્કિલનું મહત્વ વધી ગયું છે. જામનગર ITI માંથી તાલીમ મેળવનારા વિદ્યાર્થીઓ ખાનગી તેમજ સરકારી ક્ષેત્રે ઊંચા પેકેજ સાથે નોકરી મેળવીને સંસ્થાનું ગૌરવ વધારી રહ્યા છે. પ્રેક્ટિકલ જ્ઞાન અને કૌશલ્ય વિકાસના કારણે યુવાનો માટે ITI રોજગારી મેળવવાનું એક ઉત્તમ અને શ્યોર-શોર્ટ પ્લેટફોર્મ બની ગયું છે. આ તક ચૂકવા જેવી નથી.