દેશના 15 પ્રતિષ્ઠિત ગુજરાતીઓમાં રાજુલાના મહેશ રાઠોડની પસંદગી
લતા મંગેશકરના અંગત મદદનીશ તરીકે 27 વર્ષ સેવા આપનાર મહેશ રાઠોડને ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ-2026થી સન્માનિત કરાશે
સિટી ન્યૂઝ@ધર્મ મહેતા-રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાનકડા મોરંગી ગામના વતની મહેશ રાઠોડની દેશના ૧૫ પ્રતિષ્ઠિત ગુજરાતીઓમાં પસંદગી કરવામાં આવી છે. સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર ગુજરાતીઓનું સન્માન કરતી KPF ફાઉન્ડેશન દ્વારા તેમને ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ-૨૦૨૫ એનાયત કરવામાં આવશે. તેમના વર્ષોના સમર્પણ, સમાજસેવા અને માનવસેવાનાં કાર્યોને બિરદાવવા આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
મહેશ રાઠોડ વિશ્વખ્યાત ગાયિકા સ્વ. લતા મંગેશકરના અંગત મદદનીશ તરીકે ૨૭ વર્ષ સુધી કાર્યરત રહ્યા હતા. લતા મંગેશકર સાથે તેમનો પારિવારિક નાતો પણ રહ્યો હતો. તેવો લતા દીદીને પોતાના મોટા બહેન સમાન માનતા અને તેમની સાથે જોડાયેલી જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવતા હતા.
મહેશ રાઠોડે જણાવ્યું હતું કે, “લતા દીદી સાથે કામ કરવાનો અવસર મારા જીવનની અમૂલ્ય મૂડી છે. તેઓ
મને નાના ભાઈની જેમ રાખતા અને દર વર્ષે રક્ષાબંધન પર રાખડી બાંધતા. તેમની સાથે જોડાયેલી જવાબદારીઓને મેં પરિવારની જેમ જ નિભાવી છે.”
KPF ફાઉન્ડેશને ભવ્ય સન્માન સમારોહ અમદાવાદ ગેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે
આવેલા જે.બી. ઓડિટોરિયમ હોલમાં યોજાશે, જ્યાં મહેશ રાઠોડને ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ-૨૦૨૬થી સન્માનિત કરવામાં આવશે.
રાજુલાના મોરંગી ગામથી શરૂ થયેલી મહેશ રાઠોડની સફરે રાષ્ટ્રીય સ્તરે મળેલી આ ઓળખથી પરિવારજનો, સ્નેહીઓ તેમજ સમગ્ર અમરેલી જિલ્લામાં આનંદની લાગણી વ્યાપી છે અને તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.