Loading Please Wait !!!
"અમદાવાદમાં PNG ગેસ કનેક્શન માટે AMC નો મોટો નિર્ણય: કંપનીઓના ખર્ચે કોર્પોરેશન જાતે બનાવશે રોડ"

  • ગેસ એજન્સીઓની 820 અરજીઓને તાત્કાલિક મંજૂરી - મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે LPG ના બદલે PNG ને અપાશે પ્રાધાન્ય
  • અદાણી, ગુજરાત અને સાબરમતી ગેસ કંપનીઓ યુદ્ધના ધોરણે કામ શરૂ કરશે - હોટલ-રેસ્ટોરન્ટમાં પણ PNG ફરજિયાત જેવી સ્થિતિ.
  • ડિફેક્ટ લાયેબિલિટી વાળા રોડ પર મર્યાદિત ખોદાણની શરતે મંજૂરી - એજન્સી પાસેથી ખર્ચ વસૂલી AMC રોડ રી-સરફેસ કરશે.

મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સર્જાયેલી વૈશ્વિક ઈંધણ કટોકટીની અસર હવે અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. શહેરમાં રાંધણ ગેસ (LPG) ના પુરવઠામાં પડી રહેલી તકલીફોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરમાં ઘરેલું અને કોમર્શિયલ ગેસના વિકલ્પ તરીકે પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ના નેટવર્કને પ્રોત્સાહન આપવા માટે ત્રણ મોટી ગેસ એજન્સીઓને રોડ ખોદવા માટેની 820 પરમિટો તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવી છે.

AMC એ લીધેલા નિર્ણય મુજબ, અદાણી ગેસ, ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ કંપની દ્વારા પી.એન.જી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે કરવામાં આવેલી અરજીઓને મંજૂરી આપી દેવાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, હાલની કટોકટીની સ્થિતિને જોતા કોઈપણ જાતના ચાર્જ વસૂલ્યા સિવાય આ કામગીરી કરવાની છૂટ અપાઈ છે. જોકે, રોડની ગુણવત્તા જળવાઈ રહે તે માટે AMC એ શરત રાખી છે કે રોડ ખોદ્યા બાદ તેને રી-પેર કરવાની કામગીરી કોર્પોરેશન પોતે જ કરશે, પણ તેનો તમામ ખર્ચ ગેસ એજન્સીએ ભોગવવો પડશે.

ખાસ કરીને જે રસ્તાઓની 'ડિફેક્ટ લાયેબિલિટી' (ગેરંટી પિરિયડ) હજુ ચાલુ છે, તેવા રોડ પર મર્યાદિત ખોદાણ થાય તે જોવાની જવાબદારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવી છે. કોર્પોરેશનનું માનવું છે કે એલ.પી.જી. બોટલ પરની નિર્ભરતા ઘટાડીને પાઈપલાઈન ગેસનો વ્યાપ વધારવાથી નાગરિકોને ગેસની અછતનો સામનો કરવો પડશે નહીં.

આ ઉપરાંત, અમદાવાદ હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન સાથે પણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ હોટલ સંચાલકોને એલ.પી.જી. ને બદલે પી.એન.જી. માં રૂપાંતરિત થવા માટે સૂચના આપવામાં આવી છે. એસોસિએશન તરફથી પણ આ નિર્ણયને સાનુકૂળ પ્રતિસાદ મળ્યો છે. આગામી દિવસોમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરીમાં મોટો ઉછાળો જોવા મળશે, જેનાથી શહેરની ઊર્જા સુરક્ષા વધુ મજબૂત બનશે.