1996 થી A ગ્રેડ ધરાવતી મેડિકલ સરાફી મંડળીની સાધારણ સભા
- 5 વર્ષ માટે પ્રમુખ પદે ડો. રાજેશ ત્રિવેદી અને મંત્રી પદે હરેશ ચાવડા નિમાયા
સિટી ન્યૂઝ@રાજકોટ: મેડિકલ કોલેજના વિશાળ કર્મચારીગણ માટે છેલ્લા 30 વર્ષથી સંકટ મોચન સમાન કાર્યરત મેડિકલ કોલેજ સરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં ઉત્સાહભેર સંપન્ન થઈ હતી. વર્ષ 1996 થી શરૂ થયેલી આ મંડળીએ અત્યાર સુધીની પોતાની પારદર્શક કામગીરીને પગલે દર વર્ષે સતત 'A' ગ્રેડ પ્રાપ્ત કરી સહકાર ક્ષેત્રે એક આગવું અને ગૌરવશાળી સ્થાન ઊભું કર્યું છે.
આ સાધારણ સભામાં મંડળીનો વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં દર્શાવ્યા મુજબ મંડળી વાર્ષિક અંદાજે 1 કરોડ રૂપિયાની આસપાસનું ધિરાણ કરે છે. સભાસદોના કલ્યાણ અર્થે મંડળી દ્વારા 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ પણ પૂરું પાડવામાં આવે છે. આર્થિક રીતે સદ્ધર આ મંડળી રીકરીંગ ડિપોઝિટ પર સભાસદોને 7% વ્યાજ આપે છે, જ્યારે ધિરાણ પર વાર્ષિક વ્યાજનો દર 8% જેટલો વાજબી રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, છેલ્લા 10 વર્ષથી હોદ્દેદારોની ઉત્કૃષ્ટ કામગીરીથી નફામાં થતા ઉત્તરોત્તર વધારાને પગલે મંડળી છેલ્લા 7 વર્ષથી સભાસદોને 10% ડિવિડન્ડ પણ ચૂકવી રહી છે.
આ સભામાં આગામી 5 વર્ષ માટે મંડળીના નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ડો. રાજેશ એચ. ત્રિવેદી, ઉપપ્રમુખ તરીકે ડો. નિમેશ મુગરા, મંત્રી તરીકે હરેશભાઈ ચાવડા અને ખજાનચી તરીકે એચ.એ. લખતરિયાની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત કારોબારી સભ્યો તરીકે મેહુલ પી. મહેતા, મનીષ જી. પટેલ, વાય. પી. ભટ્ટી, સમીર રાવલ, અરવિંદભાઈ બાપરવા તેમજ સભ્ય તરીકે જે.કે. ચાવડા, એસ.આર. ગઢીયા, એચ.એસ. પારખીયા અને કે.ઓ. ની નિમણૂક કરવામાં આવી છે.
છેલ્લા એક દાયકાથી મંડળીના હોદ્દેદારોની કર્તવ્યનિષ્ઠા અને પ્રમાણિકતા થકી મંડળી અવિરતપણે પ્રગતિના પંથે આગળ વધી રહી છે. શિસ્ત અને સેવાના સમન્વય થકી આ સંસ્થાએ ખરા અર્થમાં 'સહકાર' શબ્દને ચરિતાર્થ કર્યો છે અને અન્ય સહકારી સંસ્થાઓ માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.