Loading Please Wait !!!
ઝારખંડના પોલીસ સ્ટેશનમાં યુવતી સાથે દુષ્કર્મ!

  • સ્ટેશન ઇન્ચાર્જ સહિત પંદર પોલીસકર્મીઓ સસ્પેન્ડ!
  • વાયરલેસ ઓપરેટર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ!
  • એસઆઈટીની તપાસ બાદ ગંભીર કાર્યવાહી કરાઈ!

સિટી ન્યુઝ @ રાંચી

ઝારખંડના સરાયકેલા-ખરસાવા જિલ્લાના ગમરિયા પોલીસ સ્ટેશન પરિસરમાંથી એક અત્યંત શરમજનક અને સંવેદનશીલ મામલો સામે આવ્યો છે, જ્યાં પોલીસ સ્ટેશનની અંદર જ 20 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત 29 ઓક્ટોબરે પતિ સાથે ઝઘડો થવાથી ડરના मारे ઘર છોડીને ગયેલી યુવતીએ પોલીસનો સંપર્ક કરતા પીસીઆર વાન તેને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને આરામ માટે રૂમ આપ્યો હતો.

પીડિતાના જણાવ્યા મુજબ, તે રૂમમાં હાજર હતી ત્યારે વાયરલેસ ઓપરેટર સહિતના શખ્સોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને મદદ માટે બૂમો પાડવા છતાં કોઈએ સહાય કરી ન હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસપી મનોજ સ્વર્ગિયારી દ્વારા રચવામાં આવેલી એસઆઈટી (SIT) ના અહેવાલના આધારે સ્ટેશન ઇન્ચાર્જ સહિત કુલ 15 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરીને વાયરલેસ ઓપરેટર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ અમાનવીય ઘટનાને લઈને ઝારખંડનું રાજકારણ ગરમાયું છે અને ભાજપના નેતાઓએ હેમંત સોરેન સરકાર પર આકરા પ્રહાર કરીને પીડિતાને વહેલી તકે ન્યાય અપાવવાની માંગ કરી છે.

રક્ષકો દ્વારા જ કાયદાની ધજાગરી અને માનવતાનું પતન

જ્યારે જે સંસ્થાઓ અને કર્મચારીઓ પર સામાન્ય નાગરિકોની સુરક્ષા અને કાયદો જાળવવાની પવિત્ર જવાબદારી હોય, તેઓ જ જો આવા જઘન્ય અને શરમજનક અપરાધોમાં લિપ્ત થઈ જાય, તો ન્યાય પ્રણાલી અને સમાજ પરથી ભરોસો ઉઠવા લાગે છે. પોલીસ સ્ટેશન જેવા સંવેદનશીલ સ્થળે એક અસહાય યુવતી પર અત્યાચાર ગુજારવાની આ ઘટના માત્ર એક ગુનો નથી, પરંતુ તે આપણી સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની નૈતિક પરાકાષ્ઠા દર્શાવે છે. આવા કિસ્સાઓમાં માત્ર સસ્પેન્શન કે ધરપકડ પૂરતી નથી, પરંતુ કસૂરવારો સામે એવી દાખલારૂપ કડક કાર્યવાહી થવી જોઈએ કે ભવિષ્યમાં ખાકી વર્દીની આડમાં કોઈ કાયદા અને માનવતાની મજાક ઉડાવવાની હિમામત ન કરી શકે.