સેન્ટ્રલ યુનિવર્સિટીના 11 વિદ્યાર્થીઓ ‘બીમાર’, ફૂડ પોઈઝનિંગ કે હીટસ્ટ્રોકની આશંકાએ સયાજી હોસ્પિટલમાં દાખલ
-
ઝાડા-ઉલટીની ફરિયાદ બાદ વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા; યુનિવર્સિટી સત્તાધીશોએ તપાસના આદેશ આપ્યા
-
જમ્યા બાદ પેટમાં દુખાવાની ફરિયાદ; સયાજી હોસ્પિટલના તબીબોની દેખરેખ હેઠળ 11 વિદ્યાર્થીઓની સારવાર શરૂ
-
યુનિવર્સિટીએ મેસના ખોરાકના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવાની તૈયારી કરી; વિદ્યાર્થીઓની તબિયત લથડવાનું કારણ હજુ અકબંધ
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કુંઢેલા ખાતે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 11 વિદ્યાર્થીઓની ગઈકાલે રાત્રે અચાનક તબિયત લથડતા દોડધામ મચી ગઈ હતી. આ તમામ વિદ્યાર્થીઓએ 18 એપ્રિલની રાત્રે જમ્યા બાદ પેટમાં દુખાવો અને ઝાડા-ઉલટી થતા હોવાની ફરિયાદ કરી હતી, જેના પગલે તમામને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
બહારનું ખાણું કે યુનિવર્સિટીની મેસ? યુનિવર્સિટી સત્તાધીશોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓને અઠવાડિયામાં એકવાર ખરીદી માટે વડોદરા શહેરમાં લાવવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ આખો દિવસ શહેરમાં રહ્યા હતા અને રાત્રે પરત ફર્યા બાદ બીમાર પડ્યા હતા. સત્તાધીશોએ દલીલ કરી છે કે જો મેસના ભોજનમાં તકલીફ હોત, તો 1000 જેટલા વિદ્યાર્થીઓને અસર થઈ હોત, પરંતુ અહીં માત્ર 11 જ વિદ્યાર્થીઓની તબિયત બગડી છે.
સેમ્પલની તપાસ બાદ કાર્યવાહી યુનિવર્સિટી પ્રશાસને વધુમાં જણાવ્યું કે, સાવચેતીના ભાગરૂપે ખોરાકના સેમ્પલ હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જો ભોજનમાં કોઈ ક્ષતિ જણાશે, તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તબીબો વિદ્યાર્થીઓની તબિયત લથડવા પાછળ ફૂડ પોઈઝનિંગ અથવા શહેરમાં કાળઝાળ ગરમીને કારણે હીટસ્ટ્રોક લાગ્યો હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.