ગિફ્ટ સિટી પાસે ૧૯૦ કરોડની જમીન હડપનાર ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
- NRI વૃદ્ધ ખેડૂતના ખોટા દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડનાર અમદાવાદના કૌશિક વઘાસિયા સામે કાયદાનો ગાળિયો
- ગાંધીનગરમાં કરોડોનું જમીન કૌભાંડ: કલેક્ટરના હુકમ બાદ ભૂમાફિયા કૌશિક વઘાસિયા જેલના સળિયા પાછળ
- ૧૮ વીઘા જમીન પચાવી પાડવા ખોટી પાવર ઓફ એટર્ની અને સોગંદનામા બનાવ્યા
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગાંધીનગરના ગિફ્ટ સિટીને અડીને આવેલા રતનપુર ગામની સીમમાં આવેલી આશરે ૧૯૦ કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી ૧૮ વીઘા જમીન પચાવી પાડવાના મસમોટા કૌભાંડમાં ડભોડા પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર પ્રકરણમાં અમદાવાદના કૌશિક સવજીભાઈ વઘાસિયા નામના ભૂમાફિયાએ NRI વૃદ્ધ ખેડૂત પ્રભુદાસ જેસંગભાઈ પટેલની જાણ બહાર ખોટા દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. કલેક્ટર ગાંધીનગર અને જમીન તકેદારી સમિતિ દ્વારા કરાયેલી તપાસ બાદ આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.
પીડિત પ્રભુદાસ પટેલે વર્ષ ૨૦૦૭માં આ જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી અને રેવન્યુ રેકોર્ડમાં પણ તેમનું નામ હતું. જોકે, ગત મે ૨૦૨૪માં તેમને જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યા શખ્સોએ ખોટી પાવર ઓફ એટર્ની બનાવી જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો છે. તપાસ કરતા બહાર આવ્યું કે ભૂમાફિયા કૌશિક વઘાસિયાએ ખેડૂતની ખોટી સહીઓ કરી, નોટરી સમક્ષ નોંધ કરાવી અને ખેડૂત જીવિત હોવા છતાં ખોટું સોગંદનામું બનાવી જમીન પોતાના નામે કરી લીધી હતી. કૌશિકે જમીન પર પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું હતું.
ભોગ બનનાર ખેડૂત અને તેમના મિત્ર રાકેશ ગોહિલના જણાવ્યા મુજબ, અગાઉ ખોટા દસ્તાવેજોનો ગુનો નોંધાયા બાદ પણ લેન્ડ ગ્રેબિંગની કલમો ઉમેરવામાં આવી ન હતી. જે અંગે તેમણે હાઈકોર્ટમાં ધા નાખી હતી. હાઇકોર્ટના આઠ અઠવાડિયામાં નિર્ણય લેવાના હુકમનું પાલન કરતા, નવ નિયુક્ત કલેક્ટરના હુકમ બાદ પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો છે. હાલ ડભોડા પોલીસ આયુષ જૈન (ASP) ના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
કૌભાંડની વિગત
આ કૌભાંડમાં આરોપી કૌશિક વઘાસિયાએ ખેડૂતને એક પણ રૂપિયો ચૂકવ્યા વિના ખોટા દસ્તાવેજોના આધારે જમીન પચાવી પાડી હતી. હાઇકોર્ટના હુકમની મુદત પૂર્ણ થતા અને કલેક્ટરની મંજૂરી મળતા ડભોડા પોલીસે કૌશિક વઘાસિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો છે. આ જમીન ગિફ્ટ સિટીની નજીક આવેલી હોવાથી તેની કિંમત આસમાને પહોંચી છે, જેના કારણે ભૂમાફિયાઓની નજર આ જમીન પર હતી. પોલીસ હવે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મળતીયાઓની પણ શોધખોળ કરી રહી છે.