Loading Please Wait !!!
જામનગરમાં ગુજસીટોકનો સપાટો: અલ્તાફ ખફી અને અસલમ ખીલજી ગેંગના 10 આરોપીઓના રિમાન્ડ મંજૂર

 

  • 52 ગુનાઓમાં સંડોવાયેલી ખફી ગેંગના શાસનનો અંત? ફરાર 3 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન

  • 23 એપ્રિલ સુધી પોલીસ પૂછપરછમાં ખુલશે મોટા રહસ્યો; DySP જે. એસ. ઝાલાની ટીમનો માસ્ટર સ્ટ્રોક

  • રાજ્યની વિવિધ જેલોમાંથી આરોપીઓનો કબ્જો મેળવી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું; શહેરમાં કડક સુરક્ષા

    જામનગર: જામનગર શહેરમાં દહેશત ફેલાવતી અને અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી ગેંગો વિરુદ્ધ પોલીસે ગુજસીટોક (GUJCTOC) એક્ટ હેઠળ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના સીધા માર્ગદર્શન હેઠળ, પોલીસે અલ્તાફ ખફી અને અસલમ ખીલજી ગેંગના આરોપીઓનો જેલમાંથી કબ્જો મેળવી રિમાન્ડ મેળવવામાં સફળતા મેળવી છે.

    ખફી ગેંગના 10 આરોપીઓ 23 એપ્રિલ સુધી રિમાન્ડ પર જે ગેંગ સામે 52 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે તેવી અલ્તાફ ગફાર ખફી ગેંગના મુખ્ય સૂત્રધાર અને કોર્પોરેટર અલ્તાફ ખફી સહિત 10 આરોપીઓને એલ.સી.બી. (LCB) અને એસ.ઓ.જી. (SOG) ની ટીમે ઝડપી પાડ્યા છે. કોર્ટે આ આરોપીઓના 23 એપ્રિલ 2026 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ આરોપીઓમાં સમીર ચૌહાણ, ઈસ્તીયાક કુરેશી અને મોસીન પચાસીયા જેવા રીઢા ગુનેગારોનો સમાવેશ થાય છે.

    અસલમ ખીલજી ગેંગના સાગરીતની પણ ધરપકડ બીજી તરફ, 46 ગુનાઓમાં સંડોવાયેલી અસલમ કરીમ ખીલજી ગેંગના સાગરીત ગની ઉંમર બશરની પણ ધરપકડ કરવામાં આવી છે, જેના 20 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. અગાઉ આ ગેંગના 17 સાગરીતોને ઝડપી પાડીને સાબરમતી, લાજપોર અને વડોદરા જેવી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી દેવામાં આવ્યા હતા.

    તપાસનીસ અધિકારી DySP જયવીરસિંહ ઝાલાની રાહબરી હેઠળ LCB અને SOG પી.આઈ.ની ટીમોએ અત્યંત ગુપ્તતાપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યું છે. હાલમાં આ કેસમાં ફરાર અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ તેજ કરી છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી જામનગરના ગુનાહિત જગતમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.