Loading Please Wait !!!
વાંકાનેરના વિઠ્ઠલપર ગામે 199ના લકી ડ્રોનું કૌભાંડ

  • આગામી 11 એપ્રિલ 2026 ના રોજ વિઠ્ઠલપર ગામે મોટા ડ્રોનું આયોજન
  • પોલીસ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં અનેક શંકા-કુશંકાઓ

સિટી ન્યૂઝ@વાંકાનેર : ગુજરાત રાજ્યમાં ઇનામી લકી ડ્રો પર કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં, વાંકાનેર તાલુકામાં આવા ગેરકાયદેસર વ્યવહારો બેફામ રીતે ફૂલ્યા-ફાલ્યા છે. તાજેતરમાં આવો જ 1 કિસ્સો વિઠ્ઠલપર ગામનો સામે આવ્યો છે, જ્યાં માત્ર 199 રૂપિયામાં લાખો રૂપિયાના ઇનામો જીતવાની લોભામણી લાલચ આપીને સામાન્ય લોકોની મહેનતની કમાણી હડપવાનું વ્યવસ્થિત કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે.

આશ્ચર્યની વાત તો એ છે કે, વાંકાનેર પંથકમાં અવારનવાર આવા ડ્રોનું ખુલ્લેઆમ આયોજન થાય છે, છતાં સ્થાનિક તંત્રના પેટનું પાણી હલતું નથી. આગામી 11 એપ્રિલ 2026 ના રોજ વિઠ્ઠલપર ગામે આ મોટા ડ્રોનું આયોજન થનાર છે. ત્યારે જનતામાં 1 જ સવાલ ઉઠી રહ્યો છે કે, શું પોલીસ અને વહીવટી તંત્ર આ ગેરકાયદે પ્રવૃત્તિ પર લગામ લગાવશે કે પછી અગાઉની જેમ જ મૌન રહીને આયોજકોને 'આશીર્વાદ' આપતું રહેશે?

તંત્રની મીઠી નજર હેઠળ મધ્યમવર્ગીય પરિવારોની લૂંટ
લોકોના લાખો રૂપિયા પાણીમાં જઈ રહ્યા હોવા છતાં તંત્રની આ નિષ્ક્રિયતા અનેક શંકા-કુશંકાઓ જન્માવી રહી છે. જો આ મામલે સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે, તો લાલચમાં આવીને અનેક મધ્યમવર્ગીય પરિવારો પાયમાલ થઈ શકે છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ ગેરકાયદે લકી ડ્રો પર પ્રતિબંધ મૂકે અને જનતાને છેતરતા આયોજકો સામે કડક કાનૂની કાર્યવાહી કરે.