Loading Please Wait !!!
જીતે ત્યાં લોકશાહી અને હારે ત્યાં વોટ ચોરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોંગ્રેસ પર પ્રહાર

 

  • ગાંધીનગરના કોબા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

  • સુપ્રીમ કોર્ટ દ્વારા ફોર્મ સિક્સ કાયદેસર ઠહેરાવાયું

  • રાહુલ ગાંધી અને વિપક્ષના આક્ષેપો સદંતર પાયાવિહોણા

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગાંધીનગરના કોબા સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચૂંટણી પંચ અને એસઆઈઆર (SIR) પ્રક્રિયા મુદ્દે કોંગ્રેસ તેમજ સમગ્ર વિપક્ષને આડે હાથ લીધા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને દેશમાં પારદર્શક તથા નિષ્પક્ષ ચૂંટણી માટે ચૂંટણી પંચને બંધારણીય રીતે સંપૂર્ણ સ્વાયત્તતા આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે લોકોએ ભૂતકાળમાં પોતાના શાસનકાળ દરમિયાન ચૂંટણી પંચની સ્વાયત્તતા હણી લીધી હતી, તે જ લોકો આજે આ બંધારણીય સંસ્થા પર પાયાવિહોણા સવાલો ઊભા કરી રહ્યા છે. ચૂંટણી આયોગ પ્રત્યેક પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં સુરક્ષિત રહે અને કોઈ પણ વ્યક્તિ મતાધિકારથી વંચિત ન રહે તે માટે સંપૂર્ણ સતર્કતા સાથે પારદર્શક કામગીરી કરી રહ્યું છે.

કોંગ્રેસના બેવડા માપદંડ પર પ્રહાર કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યાં ચૂંટણી પરિણામો કોંગ્રેસની તરફેણમાં આવે છે ત્યાં તેઓ લોકશાહીનો વિજય અને ચૂંટણી પંચની તટસ્થતાના ગુણગાન ગાય છે, પરંતુ જ્યાં જનતા ભાજપને વિજયી બનાવે છે, ત્યાં તેઓ 'વોટ ચોરી' અને ગેરરીતિના ખોટા ગાણાં ગાવા માંડે છે. તેમણે યાદ અપાવ્યું કે સુપ્રીમ કોર્ટમાં એસઆઈઆર પ્રક્રિયાને પડકારવા ગયેલા પક્ષો સામે સર્વોચ્ચ અદાલતે આ પ્રક્રિયાને કાયદેસર ગણાવી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ એક અવાજે સ્પષ્ટ કર્યું છે કે એસઆઈઆર સંબંધિત તમામ નિર્ણયો સંપૂર્ણપણે સર્વસંમતિથી લેવામાં આવ્યા છે, જેનાથી વિપક્ષના આંતરિક મતભેદ હોવાના તમામ મનઘડત દાવાઓ પોકળ સાબિત થયા છે. નવા મતદારોની નોંધણી માટે સુપ્રીમ કોર્ટે પણ ફોર્મ-6 ની માન્યતાને કાયદેસર અને યોગ્ય ઠેરવી છે, જેથી કોઈ પણ લાયક નાગરિક મતાધિકારથી વંચિત રહેશે નહીં.

અંતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે દેશની સર્વોચ્ચ અદાલત અને ચૂંટણી પંચ જેવી સ્વાયત્ત સંસ્થાઓ પર કાદવ ઉછાળીને વિપક્ષ વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા ખરડવાનું નિમ્ન સ્તરનું કૃત્ય કરી રહ્યો છે. દેશના 140 કરોડ નાગરિકો અત્યંત પરિપક્વ અને સમજદાર છે, જે વિપક્ષના આવા ખોટા મનસૂબાઓને ક્યારેય સફળ થવા દેશે નહીં.

લોકશાહી અને બંધારણીય સંસ્થાઓનું સન્માન

દેશની લોકશાહી અને બંધારણીય સંસ્થાઓની મર્યાદા જાળવવી એ દરેક રાજકીય પક્ષ અને નાગરિકની પ્રાથમિક ફરજ છે. રાજકીય હિતો માટે સ્વાયત્ત સંસ્થાઓ પર શંકા વ્યક્ત કરવી એ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો વિરુદ્ધ છે, જે દેશના વિકાસ અને સ્થિરતા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.