વીર મહારાણા પ્રતાપના જન્મદિવસે તેમના શૌર્ય અને પરાક્રમને નમન
- હલ્દીઘાટીના યુદ્ધમાં અકબરની મહાન સેનાને હંફાવનાર મેવાડના સિંહની અદભુત શૌર્યગાથા
સિટી ન્યૂઝ@રાજકોટ : મેવાડના કુંભલગઢમાં જન્મેલા અને માતૃભૂમિ કાજે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર વીરોના વીર મહારાણા પ્રતાપનો આજે જન્મદિવસ છે. પિતા ઉદયસિંહજી અને માતા જયવંતાબાઈના સંસ્કારોથી સિંચાયેલા પ્રતાપનું બાલ્યકાળનું નામ 'રાણા કીકા' હતું. તેમનું બાળપણ ભીલ બંધુઓ સાથે વીત્યું હતું, જેઓ પાછળથી તેમના સૌથી મોટા આધારસ્તંભ બન્યા હતા. રાણા ઉદયસિંહજીના અવસાન બાદ તેમની સાવકી માતા ધીરબાઈ પોતાના પુત્ર જગમાલને સિંહાસન પર બેસાડવા ઈચ્છતા હતા, પરંતુ વરિષ્ઠ દરબારીઓએ યોગ્યતા પારખીને પ્રતાપસિંહજી પર પસંદગી ઉતારી હતી. આ વાતનો બદલો લેવા જગમાલ અકબરની સેનામાં સામેલ થઈ ગયો, જેના બદલામાં અકબરે તેને જહાજપુરની જાગીર આપી હતી.
દિલ્હીના તખ્ત પર બેઠેલા અકબરની ઈચ્છા હતી કે મહારાણા પ્રતાપ તેની શરણાગતિ સ્વીકારે. આ માટે અકબરે માનસિંહ, ભગવાનદાસ અને ટોડરમલ જેવા રાજવીઓને મહારાણા પ્રતાપને મનાવવા મોકલ્યા હતા. પરંતુ સ્વાભિમાની મહારાણા પ્રતાપે શરણાગતિ સ્વીકારવાના બદલે અકબર સામે 3 શરતો મૂકી, જેનાથી અપમાનિત થઈને અકબરના દૂત પરત ફર્યા હતા. ત્યારબાદ અકબરે માનસિંહની આગેવાનીમાં વિશાળ સેના મહારાણા પ્રતાપ સામે યુદ્ધ કરવા મોકલી હતી.
મહારાણા પ્રતાપના શૌર્ય, અડગ મનોબળ અને પરાક્રમથી અકબર એટલો બધો ડરી ગયો હતો કે આજીવન તે મહારાણા પ્રતાપ સામે સીધો સંઘર્ષ કરવાની તાકાત એકત્રિત કરી શક્યો ન હતો. અકબર માત્ર પોતાનું રાજ્ય બચાવવા માટે રાજપૂત રાજાઓને પોતાની બાજુ કરવાની રાજકીય મથામણમાં જ લાગેલો રહ્યો. રાષ્ટ્રપ્રેમ અને સ્વાભિમાનના પ્રતીક સમાન વીરોના વીર મહારાણા પ્રતાપના જન્મદિવસે સમગ્ર દેશ તેમને શત શત નમન કરી રહ્યો છે.