વરસાદે સુરતને બનાવ્યું ‘બદસુરત’
- વિકાસની પોલ ખુલી : નવા નકોર રોડ પાણીમાં બેસી ગયા
- હજુ તો સિઝનનો પહેલો વરસાદમાં કૌભાંડો રોડ ચીરીને બહાર આવ્યા
- ST નું આખું ટાયર રોડમાં ઘૂસી ગયું , ખાડમાં ખાબકી સ્કૂલ વાન
- રોડ નહીં ખાડાઓના શહેર સુરતમાં અકસ્માતનો ખતરો વધ્યો
સીટી ન્યૂઝ@સુરત
સુરતમાં સ્માર્ટ સિટી અને વિકાસના મોટા દાવાઓ ચોમાસાની શરૂઆતમાં જ પોકળ સાબિત થયા છે. મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડતાં શહેરમાં માત્ર ૧૫ દિવસના ટૂંકા ગાળામાં મુખ્ય રસ્તાઓ બેસી જવાની ૪ મોટી અને ભયાનક દુર્ઘટનાઓ સામે આવી છે. ૧૦૦ મીટરથી લઈને છેક ૭૦૦ મીટર સુધીના આખેઆખા રોડ જમીનમાં ગરકાવ થઈ જતાં સુરત મનપાના આયોજન, ગુણવત્તા અને ભ્રષ્ટાચાર સામે સ્થાનિક જનતામાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ સિલસિલામાં ૧ જુલાઈના રોજ ઉધના-પાંડેસરા મુખ્ય માર્ગ પર હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં ચાલુ રોડ અચાનક ધસી પડતાં ૩૫ મુસાફરો ભરેલી સરકારી ST બસનું આખું ટાયર મોટા ભૂવામાં ઘૂસી ગયું હતું, જેના કારણે મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. સદનસીબે તમામનો આબાદ બચાવ થયો હતો. આ જ દિવસે લીંબાયત વિસ્તારમાં પણ રોડ બેસી જતાં એક સ્કૂલ વાન ખાડામાં નમી ગઈ હતી. જોકે, બાળકો સુરક્ષિત રહેતા મોટી હોનારત ટળી હતી, પરંતુ કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
અગાઉ ૩૦ જૂનના રોજ મોટા વરાછા અને પુણા ગામ વિસ્તારમાં પણ રસ્તાઓએ જળસમાધિ લીધી હતી. મોટા વરાછામાં તો અંદાજે ૭૦૦ મીટરની વિશાળ રેન્જમાં આખો રોડ બેસી ગયો હતો, જેમાં પાર્ક કરેલી અને પસાર થતી અનેક આલીશાન કાર ડાટમાળ અને માટી નીચે દબાઈ ગઈ હતી. જ્યારે પુણા ગામ સણીયા રોડ પર સર્જાયેલી સ્થિતિમાં હેવી કોમર્શિયલ વાહનો સહિત અંદાજે ૭ જેટલા વાહનો તૂટેલા રોડની અંદર ફસાઈ ગયા હતા.
રસ્તાઓ બેસી જવાની આ સિરીઝની શરૂઆત ૧૬ જૂને ડિડોલીથી થઈ હતી. ડિડોલીના મુખ્ય પ્રમુખ રોડ પર લગભગ ૧૦૦ મીટરનો પટ્ટો એકાએક જમીનમાં ધસી ગયો હતો, જેમાં એક ભારેખમ ડમ્પર તેના તમામ ટાયર સાથે ખાડામાં ખૂંપી ગયું હતું અને તેને બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી હતી. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ પાણીના મહેલની જેમ ઉપરાઉપરી તૂટી પડતાં સુરતીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને ભ્રષ્ટ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.