સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : મરજીથી દેહ વ્યાપાર ગુનો નહીં વેશ્યાલય ચલાવવું ગેરકાયદેસર
=> કોર્ટ સ્પષ્ટ કહ્યું કે જો તે રહેણાંક જગ્યા પર સેક્સ વર્કર કે કોઈ વચેટિયો સામેલ ન હોય તો પોલીસ તે જગ્યા પર કાર્યવાહી કરી શકે નહીં
=> જો એકલી મહિલા આજીવિકા માટે દેહ વ્યાપાર કરે તો તે રહેણાંક ‘કોઠો’ ગણી શકાય નહીં
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે દેશમાં દેહવ્યાપાર સાથે જોડાયેલા આશરે ૭૦ વર્ષ જૂના કાયદાની ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક વ્યાખ્યા કરી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો કોઈ મહિલા એકલી પોતાના ગુજારાન કે આજીવિકા માટે દેહવ્યાપાર કરે છે, તો તેના રહેઠાણને કાયદાકીય રીતે ‘બ્રોથલ’ એટલે કે ‘કોઠો’ ગણી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો તે જગ્યા પર અન્ય કોઈ સેક્સ વર્કર કે કોઈ વચેટિયો સામેલ ન હોય, તો પોલીસ તે પરિસર પર આ આધાર પર કોઈ કાર્યવાહી કરી શકે નહીં. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે ‘ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ’ (ITPA), ૧૯૫૬નું બારીકાઈથી વિશ્લેષણ કર્યા બાદ આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.
આશરે ૨૯ પાનાના આ ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય દેહવ્યાપારને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો કે તેને સંપૂર્ણ રીતે ગુનો જાહેર કરવાનો નથી. પરંતુ તેનો અસલી હેતુ તેના વ્યાપારીકરણ અને સંગઠિત રીતે ચલાવવામાં આવતા ગેરકાયદેસર ધંધા પર રોક લગાવવાનો છે.” સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સ્વેચ્છાએ દેહવ્યાપારમાં જોડાવું ગેરકાયદે નથી. જોકે, વેશ્યાલય ચલાવવું ગેરકાયદે છે. ITPA ૧૯૫૬માં અમલમાં આવ્યો હતો. તેમાં અનેક કલમો છે અને આ કાયદામાં વેશ્યાલય ચલાવવાને ગુનો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. આ કાયદાની કલમ ૩ જણાવે છે કે, જો કોઈ પણ વ્યક્તિ દેહવ્યાપાર ચલાવવા માટે પોતાની જગ્યા ભાડે આપે છે અથવા તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે તો તેને એકથી ત્રણ વર્ષની જેલ અને દંડ થઈ શકે છે.
શું છે ITPAનો કાયદો?
આ કાયદાની કલમ ૪ જણાવે છે કે, કોઈપણ વ્યક્તિ માટે સેક્સ વર્કરની કમાણીનો ઉપયોગ કરવો એ ગુનો છે. આ કલમ સેક્સ વર્કરના પરિવારને પણ લાગુ પડે છે. જ્યારે કલમ ૫ જણાવે છે કે, બળજબરી, લલચાવી અથવા મજબૂરીથી કોઈને દેહવ્યાપારમાં ધકેલી દેવા એ પણ ગુનો છે. કલમ ૭ જણાવે છે કે, જાહેર સ્થળ અથવા ધાર્મિક સ્થળથી ૨૦૦ મીટરની અંદર સેક્સ વર્કમાં જોડાવું એ ગુનો છે. જો કે, આ કાયદામાં ક્યાંય સંમતિથી સેક્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની બેન્ચે બુદ્ધદેવ કર્માકર વિરુદ્ધ બંગાળ રાજ્યના કેસમાં પણ એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો. આ કેસ સેક્સ વર્કર્સના પુનર્વસન અને અધિકારોથી સંબંધિત હતો.