Loading Please Wait !!!
સ્કૂલ `માફિયા' નહીં સુધરે વેકેશનમાં પણ ઘંધાનો `ખેલ' !

  • નિયમ ભંગ કરતી શાળાઓ સામે કોંગ્રેસની તપાસની માંગ
  • ચૂંટણી ફંડના કારણે સરકારના નિયમોની ઐસી કી તૈસી કરતા સ્કૂલ માફિયા
  • શિક્ષણ નહીં, ધંધો ચાલે : રોહિત રાજપૂત

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ શહેર તેમજ જિલ્લામાં અનેક ખાનગી શાળાઓ દ્વારા રાજ્ય સરકારના જાહેર કરાયેલા વેકેશનનો ખુલ્લેઆમ ભંગ કરીને વેકેશન બેચના નામે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને વિગતવાર લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

રજુઆતમાં જણાવાયું છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા વેકેશનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક દબાણમાંથી મુક્તિ આપવાનો અને તેમને માનસિક તથા શારીરિક આરામ આપવાનો છે. ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ વર્ષભર બોર્ડ પરીક્ષાની તૈયારીમાં ભારે તણાવ હેઠળ રહેતા હોય છે. આવી સ્થિતિમાં વેકેશન તેમની માટે નવી ઉર્જા મેળવવાનો મહત્વપૂર્ણ સમય હોય છે.

આ સાથે જ રોહિતસિંહ રાજપૂતે ધ્યાન દોર્યું કે વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન અભ્યાસના કારણે પોતાના પરિવાર સાથે પૂરતો સમય વિતાવી શકતા નથી. પરિવાર સાથે સમય પસાર કરવો, બહાર ફરવા જવું અને લાગણીસભર વાતાવરણમાં રહેવું  આ બધું વિદ્યાર્થીના માનસિક વિકાસ અને તણાવમુક્તિ માટે અત્યંત જરૂરી છે. વેકેશન એ વિદ્યાર્થીઓ માટે પારિવારિક જોડાણ મજબૂત કરવાનો અને માનસિક રીતે તાજગી મેળવવાનો અનમોલ સમય છે.

તેમ છતાં, કેટલાક ફી લાલચુ ખાનગી શાળા સંચાલકો વેકેશન બેચના નામે નિયમોને અવગણીને શાળાઓ ચાલુ રાખી રહ્યા છે અને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ પર વધારાનો અભ્યાસનો બોજો મૂકી રહ્યા છે. આ સાથે જ વાલીઓ પાસેથી વધારાની ફી ઉઘરાવવામાં આવી રહી છે, જે શિક્ષણના વ્યાપારીકરણનું સ્પષ્ટ ઉદાહરણ છે.

રજુઆતમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે છેલ્લા કેટલાક સમયમાં વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવને કારણે દુખદ ઘટનાઓમાં વધારો નોંધાયો છે. આવી પરિસ્થિતિમાં શિક્ષણ તંત્ર અને શાળા સંચાલકોની જવાબદારી બને છે કે તેઓ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે, પરંતુ હાલની સ્થિતિ તેના વિપરીત દર્શાવે છે.

રજૂઆતના અંતમા રાજપૂતે ચેતવણી આપી છે કે જો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાત્કાલિક બંધ નહીં થાય, તો કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકરો દ્વારા આ મુદ્દે જે તે નિયમોનો ઉલાળિયો કરતી શાળાઓ પર હલ્લાબોલ કરીશું તેવી ચિમકી ઉચ્ચારી હતી.

રજૂઆતમા જિલ્લા શિક્ષણાધિકારીને  માંગ કરી છે કે 

  • વેકેશન દરમિયાન શાળાઓ ચાલુ રાખતી સંસ્થાઓની સરપ્રાઈઝ ચેકિંગ કરીને તપાસ કરવામાં આવે
  • નિયમ ભંગ કરનાર શાળાઓ સામે કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે
  • વેકેશન બેચના નામે થતી ફી ઉઘરાણી પર નિયંત્રણ લાવવામાં આવે
  • વિદ્યાર્થીઓ અને વાલીઓને અનાવશ્યક દબાણથી બચાવવા સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે