Loading Please Wait !!!
હજુ સુધી એક પણ રૂપિયો નથી થયો ગુમ સાંવલિયા શેઠ ૪૦ કરોડની મહિને આવક: હિસાબ ટનાટન

રાજસ્થાનનું સાંવલિયા શેઠમાં કરોડોનો ચઢાવો : પારદર્શિતા ચર્ચામાં

સિટી ન્યૂઝ | નવી દિલ્હી

રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલું શ્રી સાંવલિયા શેઠ મંદિર દેશના સૌથી વધુ દાન મેળવનારા મંદિરોમાં સ્થાન ધરાવે છે, અહીં દર મહિને ભક્તો કરોડો રૂપિયાનું દાન કરે છે. કેટલાક મહિનાઓમાં દાનની રકમ ૪૦ કરોડથી પણ વધુ પહોંચી ગઈ છે.

તેમ છતાં મંદિરની સૌથી વિશેષ બાબત એ છે કે અહીં મળતા દરેક રૂપિયા, દરેક ગ્રામ સોનું અને દરેક દાનનો પારદર્શક રીતે હિસાબ રાખવામાં આવે છે.

મંદિરમાં મળતા દાનમાં રોકડ ઉપરાંત સોનું, ચાંદી, ચેક, ઓનલાઈન ટ્રાન્સફર અને વિદેશી ચલણનો પણ સમાવેશ થાય છે. મંદિર પ્રશાસન દ્વારા નિશ્ચિત સમયાંતરે દાનપેટી ખોલવામાં આવે છે અને ત્યારબાદ એક દિવસ સુધી ગણતરીની પ્રક્રિયા ચાલે છે. મોટા પ્રમાણમાં મળતા દાનને કારણે લગભગ ૨૦૦ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓની હાજરીમાં સમગ્ર ગણતરી કરવામાં આવે છે.

દાનપેટી ખોલવાની પ્રક્રિયા કડક સુરક્ષા અને પારદર્શિતા વચ્ચે હાથ ધરવામાં આવે છે. મંદિર ટ્રસ્ટના અધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને બેંક પ્રતિનિધિઓની હાજરીમાં રોકડની ગણતરી કરવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયાનું CCTV દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવે છે અને દરેક તબક્કાનો સત્તાવાર રેકોર્ડ તૈયાર કરવામાં આવે છે.

રોકડ સિવાય મળતા સોના-ચાંદીના દાગીના, સિક્કા અને વિદેશી ચલણને અલગથી નોંધવામાં આવે છે. ત્યારબાદ તેનું મૂલ્યાંકન કરીને મંદિરના હિસાબમાં દાખલ કરવામાં આવે છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે પારદર્શિતા જાળવવા માટે તમામ નાણાકીય પ્રક્રિયાઓ નિયમો મુજબ કરવામાં આવે છે. સાંવલિયા શેઠને ખાસ કરીને વેપારીઓ અને ઉદ્યોગકારો પોતાના "ભાગીદાર ભગવાન" તરીકે માને છે. અનેક વેપારીઓ વ્યવસાયમાં નફો મળ્યા બાદ તેનો એક હિસ્સો મંદિરે અર્પણ કરે છે. આ અનોખી પરંપરાને કારણે વર્ષોથી મંદિરના દાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.