સરકારી સ્કૂલમાં દારૂ પાર્ટી!
- વિદ્યાના પવિત્ર ધામમાં રાત્રિના અંધારામાં છલકાયા જામ
- સુરતની સિધ્ધાર્થનગર સરકારી શાળાનો ચોંકાવનારો વીડિયો વાયરલ
સિટી ન્યૂઝ@સુરત
સુરતના બેસ્તાન વિસ્તારમાં આવેલી સિધ્ધાર્થનગર સરકારી શાળામાંથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં શાળાના પરિસરમાં દારૂની મહેફિલ માણી રહેલા પતી ૭ લોકો નજરે પડે છે. આ વાયરલ વીડિયોમાં લોકો પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ ભરીને બિંદાસપણે પીતા જોવા મળી રહ્યા છે. શિક્ષણના ધામ સમાન સરકારી શાળામાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વિડિઓ સામે આવતા જ સ્થાનિક તંત્રમાં અરેરાટી વ્યાપી ગઈ છે,ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને બેસ્તાન પોલીસ તત્કાલિક હરકતમાં આવી છે અને આ વીડિયો હાલનો છે કે જૂનો તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને જવાબદારોને શોધી કાઢવાની તજવીજ શરૂ કરી છે.
સુરતમાં સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયો છે. બેસ્તાનની સિધ્ધાર્થનગર શાળાનો દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાયરલ થયેલા આ વિડિયોમાં શાળાની અંદર ૫ થી ૭ જેટલા શખ્સો પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ ભરીને ખુલ્લેઆમ મહેફિલ માણતા નજરે પડે છે. બાળકોના ભવિષ્ય ઘડવાના પવિત્ર સ્થળ એવા શૈક્ષણિક સંકુલમાં જ આ પ્રકારે નશાખોરી થતી હોવાના દ્રશ્યો સામે આવતા સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિ તત્કાલિક હરકતમાં આવી ગઈ છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શિક્ષા સગિતિ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. શાળા પરિસરમાં સુરક્ષા અને તેની ગરિમા જાળવવામાં બેદરકારી દાખવવા બદલ ફરજ પરના વોચમેનને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યો છે, જે બેન્ચ પર બેસીને માસિક બાળકો શિક્ષણ મેળવે છે અને પોતાનું ભવિષ્ય ઘડે છે, તે જ ટેબલ-બેન્ચ પર પ્લાસ્ટિકના ગ્લાસ રાખીને ખુલ્લેઆમ દારૂની મહેફિલ જમાવવામાં આવી હતી. ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ સમગ્ર શરમજનક કરતૂતોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી.