રખડતા આંખલા ઘટાડવા સેક્સડ સિમેન ટેકનોલોજી બની વરદાન
- પશુપાલકોને પ્રોત્સાહન આપવા સરકારે સિમેન ડોઝની કિંમત 300 થી ઘટાડી 50 કરી
- કૃત્રિમ બીજદાનની નવી ટેક્નોલોજીથી 90% કિસ્સામાં માત્ર વાછરડીનો જ જન્મ
- ગુજરાતમાં 3.41 લાખ ડોઝના ઉપયોગથી જન્મેલા 37469 બચ્ચામાંથી 34184 માદા
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજ્યમાં રખડતા આંખલાઓ અને પાડાને કારણે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે અને ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકાર એક્શન મોડમાં આવી છે. હાલ રખડતા આંખાલાને અંકુશમાં લેવા માટેની
સેક્સડ સિમેન ટેકનોલોજી વરદાન બની છે.અત્યારે ગાયમાં કુદરતી પ્રજનન ઘટાડીને કુત્રિમ બીજદાન તરફ પશુપાલકો વધ્યા છે જેના કારણે નવી ટેક્નોલેજીથી ૯૦ % કિસ્સામાં માત્ર વાછરડીનો જન્મ થઇ રહ્યો છે.
ગુજરાત રાજ્યનાં પશુપાલન વિભાગ દ્વારા પાટણ ખાતે ગુજરાત બોવાઇન સિમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવી છે. વર્ષ 2018-19 માં 8 લાખ સેક્સ્ડ સિમેન ડોઝના ઉત્પાદન માટેનાં પ્રોજેક્ટને ભારત સરકારે મંજૂરી આપી હતી, જેમાં 60 % કેન્દ્ર સરકારનો અને 40 % રાજ્ય સરકારનો હિસ્સો હતો. જૂન-2021 થી ગુજરાત બોવાઇન સિમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સેક્સ્ડ સિમેન ડોઝનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું અને ફેબ્રુઆરી 2026 સુધીમાં કુલ 8 લાખ સેક્સ્ડ સિમેન ડોઝનું ઉત્પાદન પૂર્ણ થયું.
ફેબ્રુઆરી-2026 સુધી પશુપાલન ખાતાની ક્ષેત્રિય કચેરીઓ દ્વારા કુલ 3.41 લાખ ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાંથી 63,439 પશુઓ ગાભણ થયા હતા. ગાભણ પશુઓ પૈકી 37,469 બચ્ચાઓનો જન્મ થયો હતો, જે પૈકી માત્ર 3,285 નર બચ્ચાઓ હતા અને બાકીનાં તમામ એટલે કે 34,184 માદા (પાડી કે વાછરડી) હતા.
એટલે કે, આશરે 91.23 % માદા બચ્ચાનો જન્મ નોંધાયો છે, જે આ ટેકનોલોજીની સફળતા સાબિત કરે છે. સેક્સ્ડ સિમેન (લીંગ નિર્ધારીત વિર્ય) એક એવી ટેકનોલોજી છે, જે પશુ સંવર્ધન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. એટલે કે, પશુપાલક જો ઇચ્છે કે, તેની ગાય કે ભેંસને માદા બચ્ચુ જ જન્મે તો એ હવે શક્ય બન્યું છે.
સેક્સ્ડ સિમેન ટેક્નોલેજી એટલે શું?
કુદરતી રીતે નરના વિર્યમાં બે પ્રકારના રંગસૂત્ર ધરાવતા શુક્રાણુઓ હોય છે- X અને Y આ રંગસૂત્ર પૈકી Y રંગસૂત્રથી નર બચ્ચાનો જન્મ થાય છે. X રંગસૂત્રથી માદા બચ્ચાનો જન્મ થાય છે.સામાન્ય સ્થિતિમાં બંનેનું પ્રમાણ લગભગ સમાન હોવાથી નર કે માદા બચ્ચા જન્મવાની સંભાવના 50-50 ટકા રહે છે.પરંતુ સેક્સ્ડ સીમેન ટેકનોલોજી દ્વારા X અથવા Y શુક્રાણુઓને વૈજ્ઞાનિક રીતે અલગ/નિષ્ક્રિય કરીને આશરે 90 % સુધીની ચોકસાઈ સાથે માદા બચ્ચા પ્રાપ્ત કરી શકાય તે મુજબના ફ્રોઝન સીમેન ડોઝ બનાવવામાં આવે છે. ખાસ કરીને માદા બચ્ચાનો જન્મ વધારવા માટે આ તકનિક અત્યંત ઉપયોગી છે.
પશુપાલકો માટે સરકારે ડોઝનો ભાવ ઘટાડ્યો
રાજ્ય સરકારને સેક્સ્ડ સિમેન ડોઝનો ઉત્પાદન ખર્ચ રૂ. 710/- પ્રતિ ડોઝ હતો જેની સામે પશુપાલકોને આ અધ્યતન ટેકનોલોજીનો લાભ મળે તે માટે પશુપાલકો પાસેથી પ્રતિ ડોઝ રૂ. 300 લેવામાં આવતો હતો જેને વધુ ઘટાડી હવે માત્ર રૂ. 50 પ્રતિ ડોઝ કરવામાં આવ્યો છે. પશુપાલકો હવે પશુપાલન ખાતાની ક્ષેત્રિય કચેરીઓ મારફતે માત્ર રૂ. 50 પ્રતિ ડોઝ ચૂકવી પોતાના પશુઓમાં સેક્સ્ડ સિમેનથી કૃત્રિમ બીજદાનની સેવાઓ મેળવી શકે છે.
એક વર્ષમાં 7.6 લાખ સેક્સ્ડ ફ્રોઝન સિમેન ડોઝનું ઉત્પાદન
વર્ષ 2025-26 દરમ્યાન ગુજરાતનાં વિવિધ દૂધ સંઘો દ્વારા 7.09 લાખ સેક્સ્ડ ફ્રોઝન સિમેન ડોઝનું ઉત્પાદન કરી સભાસદ પશુપાલકોના પશુઓમાં 3.35 લાખ બીજદાન કર્યું છે. આ પૈકી 52,246 પશુઓ ગાભણ થયા હતા. ગાભણ પશુઓ પૈકી 30, 719 વિયાણ થયા હતા. જેમાંથી 24, 968 જેટલા એટલે કે 81 % માદા બચ્ચાઓનો જન્મ થયો હતો.