નરેશ પટેલ ટ્રેન્ડમાં; એટલે ચૂંટણી આવી રહી છે !
નરેશ પટેલ અને હર્ષ સંઘવી વચ્ચે અડધો કલાક બંધ બારણે ચર્ચા
ખોડલધામ ચેરમેને કહ્યું, માત્ર સામાજિક ચર્ચા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં સાંઢિયા પુલનું લોકાર્પણ કરી DYCM હર્ષ સંઘવી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના ઘરે પહોંચ્યા હતા. અહીં હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે લગભગ અડધો કલાક બંધબારણે બેઠક ચાલી હતી. વર્ષ ૨૦૨૭ વિધાનસભાની ચૂંટણી પૂર્વેની આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની એવી ઈચ્છા હતી કે આપણે નરેશભાઈ પટેલના ઘરે શુભેચ્છા મુલાકાત માટે જઈએ જેથી અહીં તેઓ મળવા આવ્યા છે. નરેશભાઈની નિવૃત્તિ એ તેમનો વ્યક્તિગત પ્રશ્ન છે અને આ મુલાકાતને હું રાજકીય રીતે જોતો નથી. આ મુલાકાત અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચા-પાણી પીવા માટે મારા ઘરે આવ્યા હતા અને માત્ર સામાજિક ચર્ચાઓ જ થઈ છે આ સિવાયની કોઈપણ ચર્ચાઓ થઈ નથી.
આગામી જાન્યુઆરી ૨૦૨૭માં કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ૧૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ ૨૦૨૭નું આયોજન કરવામાં આવ્યું છે. દશાબ્દી મહોત્સવના આયોજનના ભાગરૂપે ૨૩ મેએ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલે સર્વ સમાજને આમંત્રણ આપવા માટે માતાજીના અલગ અલગ ત્રણ રથને રાજકોટથી પ્રસ્થાન કરાવ્યું હતું જે સમગ્ર ગુજરાતમાં ફરી લોકોને ફરી આ આયોજનને ભવ્યાતિભવ્ય બનાવવા આમંત્રણ આપશે. આ પ્રસંગે નરેશ પટેલે નિવૃત્તિના પણ સંકેત આપ્યા હતા. વર્ષ ૨૦૨૭માં તેઓ નિવૃત્તિ લઈ શકે છે તેવા સંકેત સાથે જણાવ્યું હતું કે, અમારી ટીમ હવે સક્ષમ થઈ ગઈ છે હું આરામ કરવા માંગુછું અને મારી જગ્યાએ ક્યારેય પણ મારા પરિવારમાંથી કોઈ નહિ આવે એની પણ ખાતરી આપું છું.
હર્ષ સંઘવી ચા-પાણી પીવા માટે ઘરે આવ્યા'તા: નરેશ પટેલ
નરેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચા-પાણી પીવા માટે મારા ઘરે આવ્યા હતા અને માત્ર સામાજિક ચર્ચાઓ જ થઈ છે આ સિવાયની કોઈપણ ચર્ચાઓ થઈ નથી.