Loading Please Wait !!!
ગુજરાતમાં મોત બની ગરમી: બેનાં જીવ લીધા

  • સુરજની નજર આજે કંઈક વધારે જ તીખી છે, ધરતી પર દરેક ચહેરા પર થાકની રેખા લખી છે

સિટી ન્યૂઝ@સુરત : સુરતમાં ૨૮ વર્ષીય યુવાનનું ગરમીનાં લીધો તડકામાં ચકકર આવીને પડી જતા મોત થયું હતું જયારે વડોદરામાં ગભરામણનાં કારણે વૃદ્ધનું મોત થયું હતું.દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે ગઇકાલે(11 મે) સચિન જીઆઈડીસીના પાલીગામમાં કામ કરી રહેલા એક 28 વર્ષીય આશાસ્પદ યુવકનું કાળઝાળ ગરમી અને હીટસ્ટ્રોકને કારણે મોત નીપજ્યું છે. બપોરના સમયે જ્યારે સૂર્ય દેવતા કોપાયમાન હતા, ત્યારે કામ દરમિયાન પોતાના ભાઈની સામે જ અનુજકુમારને અચાનક ચક્કર આવ્યા હતા અને તે જમીન પર ઢળી પડ્યો હતો. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં આજે તેનું મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 ઉલ્લેખનીય છે કે 11 મે સુરતમાં મે મહિનાનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. શહેરનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. જે સામાન્ય તાપમાન કરતા 6.8 ડિગ્રી વધુ નોંધાયું હતું. આ ગરમી મૃતક યુવક સહન ના કરી શક્યો અને મોતને ભેટ્યો છે.

સચિન જીઆઇડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવકનું નામ અનુજકુમાર છે, જેની ઉંમર અંદાજે 27થી 28 વર્ષની હતી. અનુજકુમાર મૂળ બિહારના ગોપાલનગરનો વતની હતો અને રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. મંગળવારે બપોરે જ્યારે તે સચિન વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહ્યો હતો, ત્યારે અચાનક તેની તબિયત લથડી હતી. 

કાળઝાળ ગરમીમાં સતત કામ કરવાને કારણે તેને હીટસ્ટ્રોકની અસર થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. તેમ છતાં પોલીસે અન્ય કોઈ કારણ છે કે નહિ જાણવા પણ તપાસ શરૂ કરી છે. આસપાસના લોકોએ તાત્કાલિક તેના પરિવારને જાણ કરી હતી અને તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


45.5 ડીગ્રીએ તપ્યુ સુરેન્દ્રનગર રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ જાહેર

અમદાવાદ, ગાંધીનગર, કંડલા એરપોર્ટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રી પાર પહોંચી ગયો છે. સુરતમાં 11 મેનો દિવસ સિઝનનો સૌથી ગરમ રહ્યો અને લોકોને હીટવેવ અનુભવાઈ. સુરતમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતા 6.8 ડિગ્રી વધુ છે.સોમવારે નોંધાયેલા તાપમાને ચાલુ સિઝનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સુરેન્દ્રનગરમાં 45.5C સાથે રાજ્યનું અને આ સિઝનનું સૌથી ગરમ શહેર રહ્યું છે. છેલ્લીવાર સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર 45.2C નોંધાયું હતું, જે સિઝનનું વધારે હતું, પણ ગઈકાલના તાપમાને તે રેકોર્ડ તોડ્યો છે. જો બે ડિગ્રીનો વધારો નોંધાશે તો 2025નો પણ રેકોર્ડ તૂટી જશે.આકરી ગરમીને કારણે રાજ્યમાં હીટ સ્ટ્રોક, લૂ અને પેટમાં દુખાવો થવાના કેસમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં ગરમીને લઈને ખાસ હોર્ડ-બેડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને સતત પાણી પીવા સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 17 મે સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે (12 મે) કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. તો અમદાવાદ સહિતના 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ઠંડા પીણા પીવાથી રાજકોટમાં પેટના રોગોનું પ્રમાણ વધ્યું

રાજકોટમાં છેલ્લા ચાર માસમાં 3059 લોકોને પેટનું અસહ્ય દર્દ

રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ વર્ષે ખાસ કરીને માર્ચ મહિનાથી જ ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને મેં મહિનાની શરૂઆત થતા ગરમીનો પારો 42C પાર પહોંચી ગયો છે. રાજકોટમાં પણ હવે આકરી ગરમી પડી રહી છે અને તાપમાન 42 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે, જેના પગલે ડિહાઈડ્રેશન અને લૂ લાગવા ઉપરાંત પેટમાં દુખાવાની તેમજ ગેસ્ટ્રો અંગેની ફરિયાદનું પ્રમાણ દર્દીઓમાં વધ્યું છે. રાજકોટમાં જાન્યુઆરી, 2026થી એપ્રિલ, 2026 દરમિયાન 3059 દર્દીઓને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત અનેક એવા દર્દીઓ હશે જેમને પોતાની જાતે હોસ્પિટલ પહોંચી તબીબી સારવાર લીધી હશે. જાણીતા ગેસ્ટ્રોલોજિસ્ટ અને રાજકોટ IMAના પૂર્વ પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ જણાવ્યું કે, કાળઝાળ ગરમી અને લગ્નસરાની સીઝન પણ શરૂ થઇ ચુકી છે. લોકો ખાવા-પીવામાં કાળજી નથી રાખી રહ્યા, જેના કારણે ગેસ્ટ્રોના કેસમાં ખુબ વધારો નોંધાયો છે. છેલ્લા બે મહિનાની અંદર પેટમાં દુખાવો, ચૂક આવવી, ઊલ્ટી-ઉબકા થવા, જાડા થવા અને અપચાની અનેક ફરિયાદ સાથે દર્દીઓ આવી રહ્યા છે.