ગોંડલમાં લાકડાના કારખાનામાં ભીષણ આગ: લાખોનું નુકશાન
- ત્રણ તાલુકાની ફાયરબ્રિગેડની ટીમે 5 કલાકથી વધુ પાણીનો મારો ચલાવ્યો : જેસીબીની મદદથી દીવાલ તોડાઈ
સિટી ન્યૂઝ@ગીર ગોંડલ : ગોંડલના ગંજીવાડા વિસ્તારમાં મોડી રાત્રે આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલા જે 'ભગવાન એન્ટરપ્રાઇઝ' નામના લાકડાના છોલના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છેલ્લા 5 કલાકથી ફાયર ફાઈટરોની ટીમ આગ પર કાબૂ મેળવવા મથામણ કરી રહી છે, પરંતુ આગ હજુ પણ યથાવત છે. હાલ હજુ 2 કલાક બાદ આગ બુઝાઈ તેવી શક્યતા સેવાઇ રહી છેગોંડલના ગંજીવાડામાં મોડી રાત્રે આશરે 3 વાગ્યાના અરસામાં જે ભગવાન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં આગ લાગી હતી. લાકડાનો છોલ હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા.આ ઘટનાની જાણ થતા જ ગોંડલ સહિત રાજકોટ અને શાપર થી ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. કુલ 4 ફાયર ફાઈટરની ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, આગ પર કાબૂ મેળવવા માટે સ્થાનિક ખાનગી પાણીના ટેન્કરોની પણ મદદ લેવામાં આવી રહી છે.
આગ કારખાનાના અંદરના ભાગે હોવાથી અને તેને બુઝાવવામાં મુશ્કેલી પડતી હોવાથી, ફાયર વિભાગ દ્વારા 2 જેસીબી (JCB) મશીનો બોલાવવામાં આવ્યા હતા. જેસીબીની મદદથી કારખાનાની દીવાલ તોડીને ફાયર ફાઈટરોએ અંદર પ્રવેશ કર્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી તેજ બનાવી હતી.
આ આગની ઘટનામાં કારખાનામાં રાખેલો લાખો રૂપિયાનો લાકડાનો જથ્થો, લાકડાનો છોલ, બે કિંમતી મશીનો અને ઇલેક્ટ્રિક મોટરો બળીને ખાખ થઈ ગયા છે. પ્રાથમિક તપાસમાં આ ભીષણ આગ શોર્ટ સર્કિટ ના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં 5 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં આગ હજુ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. ફાયર વિભાગના જવાનો જીવના જોખમે આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી.