`ડીઝલ ખૂટશે'ની અફવા ખેડૂતો લાઈનમાં
સિટી ન્યૂઝ@નર્મદા
વાવ થરાદ જિલ્લાના વાવ ખાતે આવેલા જીઓ પેટ્રોલ પંપ પર આજે વહેલી સવારથી જ ખેડૂતો અને વાહનચાલકોની ડીઝલ લેવા માટે લાંબી કતારો જોવા મળી હતી. બજારમાં ડીઝલની અછત હોવાની અફ્વા ફેલાતા ખેડૂતોમાં ફળ પડી હતી, જેના પરિણામે પંપ પર ડીઝલ લેવા માટે પડાપડી થઈ હતી.
સ્થળ પર જોવા મળ્યું હતું કે, અનેક ખેડૂતો અને ખાનગી વાહનચાલકો પોતાના વાહનોમાં 4 થી 5 મોટા પ્લાસ્ટિકના કેરબાઓ લઈને પંપ પર પહોંચ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે 200-200 લિટરના કેરબાઓ ભરીને ડીઝલ આપવામાં આવી રહ્યું હતું. જ્વલનશીલ પદાર્થનો આ પ્રકારે પ્લાસ્ટિકના પાત્રોમાં સંગ્રહ અને પરિવહન મોટી દુર્ઘટના થવાની સંભાવના સેવાઈ રહી છે. જેથી કોઈ જાનહાનિ ન થાય તે માટે પેટ્રોલ પંપના વિક્રેતા સજાગતા દાખવે તે જરૂરી છે.
ખરેખર ખેડૂતો સાથે વાહન ચાલકોની ભીડ સાથે વાહનોમાં ભરેલા પ્લાસ્ટિકના કેરબા ભરાતા જોતા આ ડીઝલ ખરેખર જરૂરિયાતમંદ ખેડૂતો લઈ જઈ રહ્યા છે કે પછી આડકતરી રીતે સંગ્રહખોરી કરવામાં આવી હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું. તો આ બાબતે જવાબદાર તંત્રએ તપાસ કરવી જોઈએ તેવી વાહન ચાલકોની માંગ ઉઠી હતી. આ બાબતે પેટ્રોલ પંપના સૂત્રોએ જણાવ્યું હતું કે ડીઝલની ગાડી હમણાં આવી છે એટલે લાઈનો લાગી છે કોઈ અછત નથી.