હવે નકલી DYSP !
-
12 ચોપડી ભણેલો શખ્સ સાયબર ક્રાઇમ હેઠળ ઠગાઈના ગુના આચરતો
-
AIની મદદથી આઈકાર્ડ, પોલીસ ડ્રેસના ફોટા બનાવ્યાનું જાણવા મળ્યું
સિટી ન્યૂઝ@સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર પાસેના સાયલા પંથકમાં સાયબર ક્રાઈમના નામે ડીવાયએસપી તરીકે ઓળખ આપી પૈસા પડાવતા શખ્સને રેન્જની ટીમે ઝડપી લીધો હતો. તેની તલાશી લેતા તેના મોબાઈલમાંથી પોલીસના ડ્રેસ સાથેના ફોટા અને નકલી આઈકાર્ડ મળી આવ્યા હતા. તેણે સાયબર ક્રાઈમના ગુનામાં ૨૨ હજાર પડાવ્યાનું બહાર આવતા પોલીસે વધુ પૂછતાછ હાથ ધરી છે.
રાજકોટ રેન્જમાં સોશિયલ મીડિયા પર નજર રાખવા તેમજ હ્યુમન સોર્સ એક્ટિવ કરવા માટેની સૂચનાના આધારે રાજકોટ રેન્જની ટીમ સતત વોચમાં હતી. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રેન્જ પોલીસની ટીમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ અને તપાસમાં કાર્યરત હતી, એ દરમિયાન સાયલા-સુદામડા ચોકડી પાસે નકલી ડીવાયએસપી તોડ કરતો હોવાની માહિતીના આધારે પીએસઆઈ ભાનુભાઈ મિયાત્રા સહિતની ટીમે શંકાસ્પદ શખ્સને અટકાવી તેની પુછતાછ કરતા તે સાયલા, લાલજી મહારાજની જગ્યા પાસે, નવાગઢ રહેતો સોહિલખાન બિસ્મિલ્લાખાન પઠાણ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને સાયલા પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો.
જયા આવતાં આરોપી સોહિલ ખાન ધો.૧૨ પાસ હોવાનું જાણવા મળ્યું હતું અને તે અગાઉ ટ્રેકટરના શો-રૂમમાં નોકરી કરતો હતો. તે છેલ્લા કેટલાક સમયથી એઆઈની મદદથી પોલીસ ડ્રેસમાં ફોટા બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતો હતો. તેણે સાયબર ક્રાઈમના ગુનામાં શંકાસ્પદ વ્યકિત પાસેથી બેંક ખાતુ સીઝ થયું હોય તે જનરેટ કરવી દીધાનો નકલી મેસેજ બનાવી તેની પાસેથી રૂ.૨૨ હજાર પડાવ્યા હોવાનું બહાર આવતા પોલીસે મોબાઈલ, રોકડ, નકલી આઈ કાર્ડ સહિતની મતા કબજે કરી હતી. આ નકલી ડીવાયએસપી ઝડપાયો હતો. તેની ધરપકડ કરી વધુ તપાસ કરવાતા AIની મદદથી આઈ કાર્ડ, પોલીસ ડ્રેસના ફોટા બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.