બોગસ પાવર ઓફ એટર્ની બનાવાના ગુન્હામાં આગોતરા જામીન મંજુર કરતી સેશન્સ અદાલત
=> ફરીયાદી અને અરજદાર વચ્ચે વાદગ્રસ્ત જમીન અંગે કોઈ વેચાણ કરાર કરવામાં આવેલ નથી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં વર્ષ 2008 માં આચરાયેલા પૂર્વયોજિત કાવતરા અને બોગસ દસ્તાવેજોના આધારે જમીન હડપવાના કેસમાં સેશન્સ કોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. આ કેસમાં જીતેન્દ્ર ભાવાણી સામે ફરિયાદીની જમીનનું બોગસ પાવર ઓફ એટર્ની બનાવી ખોટો દસ્તાવેજ તૈયાર કરવા તથા વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગંભીર ગુનામાં આજીડેમ પોલીસ ધરપકડ કરે તેવી શક્યતાઓને પગલે આરોપીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે શરતોને આધીન મંજૂર કરી છે.
આજીડેમ પોલીસ સ્ટેશનમાં 8 ઓગસ્ટ 2025 ના રોજ IPC ની કલમ 406, 420, 465, 467, 468, 470, 471, 34 અને 120 (B) હેઠળ ગુનો નોંધાયો હતો. મૂળ ફરિયાદી જાગૃત શાહે વર્ષ 1981 માં ખરીદેલી પ્લોટ નંબર 2 ની 940 ચોરસ વાર જમીન આરોપી ઇશરાનખાન પઠાણે વર્ષ 2008 માં બોગસ કુલમુખત્યારનામું તૈયાર કરીને અન્ય સહઆરોપીઓ સાથે મળી વેચી નાખી હતી. આ કેસમાં દસ્તાવેજી પુરાવાઓની જટિલતાને ધ્યાનમાં લેતા તપાસનીશ અધિકારી દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.
અરજદારના એડવોકેટ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, અરજદારે કોઈની ખોટી સહી કરી નથી કે ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી આર્થિક લાભ મેળવ્યો નથી. સમગ્ર કેસ દસ્તાવેજી પુરાવાઓ પર આધારિત છે અને તમામ અસલ દસ્તાવેજો છેલ્લે જમીન ખરીદનાર વ્યક્તિ પાસે ઉપલબ્ધ છે. પાવર ઓફ એટર્ની બનાવવાની સમગ્ર પ્રક્રિયામાં અરજદારનો કોઈ સીધો રોલ હોવાનું પોલીસ ક્યાંય સાબિત કરી શકી નથી.
એડિશનલ સેશન્સ જજ વી.કે. ભટ્ટની કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અવલોકન કર્યું હતું કે, મૂળ ફરિયાદી અને અરજદાર વચ્ચે વાદગ્રસ્ત જમીન અંગે કોઈ કાયદેસરનો વેચાણ કરાર કરવામાં આવ્યો નથી. કહેવાતો બોગસ પાવર ઓફ એટર્ની મુખ્ય આરોપી દ્વારા નોટરાઈઝડ કરાવાયો હતો. કોર્ટે અરજદારનો સીધો રોલ ન હોવાનું જણાવી શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
આ કામમાં અરજદાર જીતેન્દ્રભાઈ ચતુરભાઈ ભાવાણી તરફે સૌરાષ્ટ્રના પટેલ લો ફોર્મના જાણીતા ધારાશાસ્ત્રી દીલીપભાઈ પટેલ, કલ્પેશ નસીત, નૈમિષ જોષી, અનિતા રાજવંશી તથા આસીસ્ટન્ટ તરીકે ઈશા કણઝારીયા રોકાયેલ હતા.