રાજકોટ સાયબર ક્રાઈમનો મોટો સપાટો: ₹2500 કરોડના મહાકૌભાંડમાં યસ બેન્કના 3 અધિકારીઓની ધરપકડ
-
પડધરી પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો; ટ્રાન્ઝેક્શનનો આંકડો 1500 કરોડથી વધીને 2500 કરોડે પહોંચ્યો
-
85 બેન્ક ખાતાઓમાં ₹74 કરોડનું ફ્રોડ; દેશભરમાંથી મળી 535 અરજીઓ, તપાસ માટે સ્પેશિયલ CAની નિમણૂક
-
કાલાવડ, જામનગર અને જામકંડોરણાના અધિકારીઓની સંડોવણી ખુલી; 35 પેઢીઓના વ્યવહારો હવે રડારમાં
રાજકોટ જિલ્લા પોલીસની સાયબર ક્રાઈમ શાખાએ દેશવ્યાપી કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના કેસમાં એક મોટી સફળતા મેળવી છે. પડધરી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન યસ બેન્કના એક વર્તમાન અને બે ભૂતપૂર્વ અધિકારીઓની સંડોવણી ખુલતા પોલીસે તેમની ધરપકડ કરી ૨ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસ દરમિયાન આ કૌભાંડનો આંકડો ₹૧૫૦૦ કરોડથી વધીને ₹૨૫૦૦ કરોડે પહોંચતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
અધિકારીઓની ધરપકડ અને રોલ ઝડપાયેલા આરોપીઓમાં મૌલિક રામજી કમાણી (પર્સનલ બેન્કર, યસ બેન્ક), કલ્પેશ વિઠ્ઠલભાઈ ડાંગરીયા (ભૂતપૂર્વ મેનેજર) અને અનુરાગ ચંદુભાઈ બાલધા (ભૂતપૂર્વ પર્સનલ બેન્કર) નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ જ્યારે પડધરીના મોવિયા ખાતેની યસ બેન્કની શાખામાં ફરજ બજાવતા હતા, ત્યારે તેમણે સાયબર માફિયાઓ સાથે મળીને ફ્રોડના નાણાં સગેવગે કરવામાં મદદ કરી હોવાનું સામે આવ્યું છે.
કૌભાંડનો ચોંકાવનારો વ્યાપ પીઆઈ આર. જે. ગોધમની તપાસમાં બહાર આવ્યું છે કે, કુલ ૮૫ બેન્ક ખાતાઓમાં ₹૨૫૦૦ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા. જેમાંથી ₹૭૪ કરોડથી વધુની રકમ શુદ્ધ સાયબર ફ્રોડની હોવાનું જણાયું છે, જેના સંદર્ભે દેશભરમાંથી ૫૩૫ અરજીઓ મળેલી છે. બાકીના નાણાં ઓનલાઇન ગેમિંગ અને જીએસટી ચોરી સાથે સંકળાયેલા હોવાની શંકા છે.
CA દ્વારા હિસાબોનું પોસ્ટમોર્ટમ આ જટિલ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ની નિયુક્તિ કરી છે. હાલ ૩૫ જેટલી શંકાસ્પદ પેઢીઓ અને તેના વ્યવહારોની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ ૧૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન અધિકારીઓની પૂછપરછમાં આ કૌભાંડનો આંકડો હજુ પણ વધવાની પૂરેપૂરી શક્યતા છે.