Loading Please Wait !!!
અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે મહાસંગ્રામ: જેડી વેન્સે નેતન્યાહુને આપી ખુલ્લી ચેતવણી

  • અમેરિકાને નારાજ કરવાની ભૂલ ન કરો, કરદાતાઓના પૈસે તમારા હથિયારો બને છે: ઉપરાષ્ટ્રપ્રમુખનો આકરો પ્રહાર
  •  લેબેનાન મુદ્દે નેતન્યાહુની જીદ સામે અમેરિકા લાલઘૂમ, હુમલાઓ રોકવા અને સીઝફાયર માટે ટ્રમ્પની અપીલ
  •  અમેરિકાના દબાણ છતાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ઝૂકવા તૈયાર નથી, બંને મિત્ર દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ

સિટી ન્યુઝ @ વોશિંગ્ટન

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્તિની ડીલ બાદ હવે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. અત્યાર સુધી ઈઝરાયલની પડખે અડીખમ ઊભા રહેલા અમેરિકાએ હવે આકરા તેવર બતાવ્યા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે ગુરુવારે ઈઝરાયલને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે ઈઝરાયલે તેના એકમાત્ર શક્તિશાળી સાથી એવા અમેરિકાને નારાજ ન કરવું જોઈએ. વ્હાઇટ હાઉસમાંથી તેમણે ઈઝરાયલી કેબિનેટને વાસ્તવિકતા સ્વીકારવા અને જાગી જવા આકરા શબ્દોમાં હાકલ કરી છે.

જેડી વેન્સે ઈઝરાયલને અરીસો બતાવતા કહ્યું કે છેલ્લા 3 મહિનામાં ઈઝરાયલના 2 તૃતીયાંશ સંરક્ષણ હથિયારો અમેરિકાના કરદાતાઓના ખર્ચે બન્યા છે. તેમણે ઈઝરાયલી મંત્રીઓ ઇતમાર બેન ગ્વિર અને બેઝાલેલ સ્મોટ્રિચનું નામ લઈને કટાક્ષ કર્યો કે 90 લાખની વસ્તી ધરાવતો દેશ માત્ર લોકોને મારીને સુરક્ષાનો ઉકેલ લાવી શકે નહીં. બીજી તરફ, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ફ્રાન્સમાં G7 સમિટ દરમિયાન લેબેનાનમાં ઈઝરાયલી હુમલાઓમાં થતા નાગરિકોના મોત પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે સામાન્ય ડ્રોન હુમલાના બદલામાં આખી ઇમારતો ધ્વસ્ત કરવી યોગ્ય નથી અને તેમણે તમામ મોરચે સંપૂર્ણ સીઝફાયરની અપીલ કરી છે.

અમેરિકાના આટલા મોટા દબાણ અને નારાજગી છતાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પોતાના વલણ પર મક્કમ છે. નેતન્યાહુએ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે ઈઝરાયલી સેના દક્ષિણ લેબેનાનમાં કબજો કરેલા સુરક્ષા ક્ષેત્રમાંથી કોઈપણ સંજોગોમાં પાછી હટશે નહીં. અમેરિકાના શાંતિ પ્રયાસો વચ્ચે ઈઝરાયલની આ જીદને કારણે બંને મિત્ર દેશો વચ્ચે આગામી દિવસોમાં રાજદ્વારી ખાઈ વધુ પહોળી થવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે.

અમેરિકન કરદાતાઓના પૈસાનો હિસાબ

ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે ઈઝરાયલને અમેરિકન કરદાતાઓની તાકાતનો અહેસાસ કરાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયલની રક્ષા માટે વપરાતા મોટાભાગના હથિયારો અમેરિકાના લોકોના ટેક્સના પૈસાથી બને છે. દુનિયાની મહાસત્તા અને એકમાત્ર સમર્થક દેશના પૈસા પર નિર્ભર હોવા છતાં, ઈઝરાયલના આક્રમક વલણ સામે હવે અમેરિકાએ પોતાની આર્થિક અને સૈન્ય સહાયનો ખુલ્લેઆમ ઉલ્લેખ કરીને રાજદ્વારી દબાણ વધારી દીધું છે.