ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ જૂના નિવેદનમાં ખરાબ રીતે ફસાયા
- G7 સમિટમાં પત્રકારે અમેરિકી પ્રમુખને 2020ની સોશિયલ મીડિયા પોસ્ટ યાદ અપાવીને બરાબરના ઘેર્યા
- 'ઈરાન ક્યારેય સમજૂતી હાર્યું નથી' તેવા પોતાના જ જૂના શબ્દો સાંભળી ટ્રમ્પ અકળાયા
- ફ્રાન્સમાં પ્રેસ કોન્ફરન્સ વચ્ચે અમેરિકન પ્રમુખને જૂની પોસ્ટ યાદ અપાવી ભીંસમાં લેવાયા
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 4 મહિનાથી ચાલી રહેલું ભીષણ યુદ્ધ આખરે શાંતિ કરાર સાથે સમાપ્ત થઈ ગયું છે. જોકે, આ ડીલ બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે વિવાદમાં ફસાયા છે. ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં આયોજિત G7 સમિટ દરમિયાન એક પત્રકારે ટ્રમ્પને જાન્યુઆરી 2020ની તેમની જ એક જૂની સોશિયલ મીડિયા પોસ્ટ યાદ અપાવીને લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં બરાબરના ઘેર્યા હતા.
પત્રકારે ટ્રમ્પને સવાલ કર્યો કે, '2020માં એક સમજદાર વ્યક્તિએ કહ્યું હતું કે ઈરાન ક્યારેય યુદ્ધ જીત્યું નથી, પણ ક્યારેય સમજૂતી હાર્યું પણ નથી.' ટ્રમ્પે પૂછ્યું કે આવું કોણે કહ્યું હતું, ત્યારે પત્રકારે સ્પષ્ટ કર્યું કે આ શબ્દો તેમના જ હતા. આ કરારમાં અમેરિકાને કોઈ મોટો ફાયદો ન થયો હોવાના અને ઈરાનને વધુ છૂટછાટો અપાઈ હોવાના આક્ષેપો અંગે પત્રકારે પૂછ્યું કે તેઓ અમેરિકાની જનતાને આ ડીલને જીત તરીકે કેવી રીતે મનાવશે.
આ આકરા સવાલો સામે ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાના પક્ષપાતી વલણ પર સીધો હુમલો કર્યો હતો. તેમણે પોતાનો બચાવ કરતા કહ્યું કે જો મેં યુદ્ધ 3-4 અઠવાડિયા વધુ ખેંચ્યું હોત તો આ જ લોકો કહેત કે યુદ્ધ બહુ લાંબુ ચાલ્યું. ટ્રમ્પે કટાક્ષ કર્યો કે જો ઈરાન સફેદ ઝંડો ફરકાવીને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લે અને મને મહાન પ્રમુખ ગણાવે, તો પણ આ મીડિયા તેને 'ઈરાનની જીત' જ સાબિત કરી દેશે. 2020માં કાસિમ સુલેમાનીના મોત સમયની તેમની આ પોસ્ટ હવે તેમના જ ગળાનો ગાળિયો બની ગઈ છે.
સોશિયલ મીડિયાના જૂના રેકોર્ડ બની શકે છે ઘાતક હથિયાર
આધુનિક રાજકારણમાં સોશિયલ મીડિયા અત્યંત સંવેદનશીલ બની ગયું છે. નેતાઓ દ્વારા ભૂતકાળમાં કરાયેલી પોસ્ટ ઇન્ટરનેટ પર સચવાઈ રહે છે અને યોગ્ય સમય આવ્યે તે તેમના જ વિરુદ્ધ ઉપયોગમાં લેવાય છે. આ ડિજિટલ યુગમાં કોઈપણ જાહેર વ્યક્તિએ બોલતા કે લખતા પહેલા ખૂબ સાવચેતી રાખવી પડે છે, કારણ કે તમારી ડિજિટલ ફૂટપ્રિન્ટ ક્યારેય ભૂંસાતી નથી અને ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે.