Loading Please Wait !!!
ટાઈગર શ્રોફ પર હુમલાના તાર સુરત સાથે જોડાયા!

 

  • બિશ્નોઈ ગેંગ માટે સુરત બન્યું સુરક્ષિત અડ્ડો!

  • ગૂગલ મેપ પરથી લોકેશન શોધી સેલિબ્રિટીઝની થઈ રેકી!

  • ઓટો ચાલકને ભાડું આપી કરી સ્ટાર્સના ઘરની રેકી!

સિટી ન્યુઝ @ મુંબઈ

બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાના તાર હવે ગુજરાતના સુરત શહેર સાથે પણ જોડાયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ટાઈગર શ્રોફ પર હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓ મુંબઈ રોકાવાના બદલે સીધા સુરત રેલ્વે સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાંથી જયપુર જતી ટ્રેનમાં ફરાર થઈ ગયા હતા.

અગાઉ સલમાન ખાનના નિવાસે થયેલા ફાયરિંગ વખતે પણ આરોપીઓ મુંબઈથી સુરત આવ્યા હોવાની વિગતો સામે આવી હતી, જેના કારણે સુરત બિશ્નોઈ ગેંગ માટે એક સુરક્ષિત આશ્રયસ્થાન બનતું જતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કર્યા બાદ આરોપીઓએ ટેક્સી અને પછી રિક્ષાનો સહારો લીધો હતો.

પોલીસ તપાસમાં એવા પણ ખુલાસા થયા છે કે આરોપીઓએ આ હુમલા પૂર્વે શૂટિંગની પ્રેક્ટિસ પણ કરી હતી અને હોટેલ રૂમના બેડમાં અકસ્માતે ગોળી છૂટી ગઈ હોવાની ઘટના પણ બની હતી. હવે આ કેસમાં પોલીસ સલમાન ખાન, આમીર ખાન, રોહિત શેટ્ટી અને બાબા સિદ્દીકીને મળેલી ધમકીઓના વોઈસ ડેટાનું રેકોર્ડ રાખશે.

આંતરરાજ્ય સ્તરે ગુનાખોરી ડામવા માટે જ્યાં જ્યાં બિશ્નોઈ ગેંગ સક્રિય છે તે તમામ રાજ્યોની પોલીસને આ ગેંગના ડેટા, તસ્વીરો અને ગુનાહિત પ્રવૃત્તિઓની સંયુક્ત કુંડળી તૈયાર કરવા જણાવાયું છે, જેથી અપરાધીઓને ઝડપથી જેસરી સળિયા પાછળ ધકેલી શકાય.

વધુમાં તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ ગૂગલ પરથી બોલિવૂડ સિતારાઓના સરનામા અને લોકેશન મેળવ્યા હતા. રેકી કરવા માટે તેમણે ઓટો ડ્રાઈવરને 1000 રૂપિયા ભાડું ચૂકવ્યું હતું અને સેલિબ્રિટીઝના ચાહક હોવાનું નાટક કરીને તેમના ઘરની આસપાસ રેકી કરી હતી.

બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા અને ગેંગસ્ટરોનું વધતું નેટવર્ક

બોલિવૂડ અભિનેતાઓ પર સતત વધી રહેલા હુમલા મનોરંજન જગત માટે ગંભીર ચિંતાનો વિષય બન્યા છે. સુરત જેવા શહેરોનો ઉપયોગ ગુનેગારો દ્વારા સેફ હાઉસ તરીકે થવો અને ગૂગલ મેપ જેવા માધ્યમોથી રેકી કરવી એ આધુનિક અપરાધની નવી પદ્ધતિ દર્શાવે છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ આવા સંગઠિત અપરાધો સામે કડક હાથે કામ લઈને કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવી અનિવાર્ય સાબિત થઈ છે.