Loading Please Wait !!!
રામના રૂપનો વિચાર કરતા જ રાવણની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ

  • કુંભકર્ણે રાવણને રામ સાથે વેર છોડી શરણે જવાની સલાહ આપી
  • જીવનના યજ્ઞમાં પણ વિષયવાસના રૂપી રાક્ષસોને હરાવવા ભક્તિ જરૂરી છે
  • રામના પ્રભાવથી રાવણના દુષ્ટ વિચારો પણ થોડીવાર માટે શાંત થયા

 સિટી ન્યુઝ @ રાજકોટ

રાક્ષસોના વિઘ્નોથી યજ્ઞને બચાવવા માટે વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણને પોતાના આશ્રમમાં લઈ આવ્યા હતા. યજ્ઞ શરૂ થતાં જ રામ અને લક્ષ્મણે મંડપના દરવાજે પહેરો ભરવાનું શરૂ કર્યું. તેમણે એકસાથે એટલા બધા રૂપ ધારણ કર્યા કે રાક્ષસો જે પણ દરવાજે જતા, ત્યાં તેમને માત્ર રામ અને લક્ષ્મણ જ દેખાતા હતા. મારીચ સહિતના રાક્ષસોએ આ દિવ્ય સ્વરૂપ જોતાં જ તેમની દુષ્ટ બુદ્ધિ બદલાઈ ગઈ અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા ગયા હતા.

લંકાના યુદ્ધ સમયે કુંભકર્ણે રાવણને માયાવી રીતે રામનું રૂપ ધારણ કરી સીતા પાસે જવાની સલાહ આપી હતી. ત્યારે રાવણે કબૂલાત કરી હતી કે જ્યારે તે રામનું સ્વરૂપ ધારણ કરવા તેમનું ચિંતન કરે છે, ત્યારે તેનું મન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. માયાવી રામ બન્યા પછી તેને સીતા માત્ર માતા સ્વરૂપે જ દેખાય છે અને મનમાં કોઈ ખરાબ વિચાર રહેતો નથી. આ સાંભળી કુંભકર્ણે રાવણને રામ સાથે વેર છોડી દેવા વિનંતી કરી હતી, પરંતુ રાવણ ન માન્યો અને અંતે યુદ્ધમાં હાર્યો.

આ પૌરાણિક પ્રસંગ આજના માનવ જીવન માટે એક મોટો બોધ પાઠ છે. જ્યારે મનુષ્ય ઈશ્વરની પૂજા કે સત્કાર્ય કરવા બેસે છે, ત્યારે વાસના અને લોભ રૂપી રાક્ષસો તેના મનમાં વિઘ્નો નાખે છે. લોકો મંદિરોમાં અને યાત્રાઓમાં જાય છે, પરંતુ પ્રભુ પ્રેમમાં દ્રઢ વિશ્વાસ ન હોવાથી વિઘ્નો આવતાં જ હતાશ થઈ જાય છે. જો દ્રઢતાથી પ્રભુની આરાધના ચાલુ રાખવામાં આવે, તો જીવનનો આ યજ્ઞ ક્યારેય નિષ્ફળ જતો નથી અને પાપ રૂપી રાક્ષસોથી કાયમી રક્ષણ મળે છે.

ભક્તિથી જ જીવનની સાર્થકતા

દરેક મનુષ્યે સદા સત્સંગમાં રહીને પોતાના જીવનમાં ભગવાનનું સ્મરણ કરતા રહેવું જોઈએ. ઈશ્વરના શરણે જવાથી બુદ્ધિની શુદ્ધિ થાય છે અને જીવનની તમામ મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જાય છે. પ્રત્યેક દિવસને ઈશ્વરના પ્રસાદ સ્વરૂપે સ્વીકારીને ભક્તિ માર્ગ પર આગળ વધવાથી જ સાચા અર્થમાં ભવસાગર પાર કરી શકાય છે અને મનને અદભુત શાંતિ મળે છે.