Loading Please Wait !!!
ભુરખિયા હનુમાનજીના સ્વયંભૂ પ્રાગટ્યનો ઐતિહાસિક મહિમા

ચૈત્ર પૂર્ણિમાની મધ્યરાત્રિએ પ્રાગટ્ય થયાની લોકવાયકા, આજે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર

સીટી ન્યૂઝ@અમરેલી

ભારતમાં હનુમાનજીના ૨૫ સ્વયંભૂ પ્રગટ સ્થાનોમાં અમરેલી જિલ્લાના લાઠીથી ૧૦ કિમી દૂર આવેલું ભુરખિયા હનુમાનજીનું મંદિર અત્યંત પવિત્ર છે. આ ઐતિહાસિક યાત્રાધામના પ્રાગટ્યને વિક્રમ સંવત ૨૦૪૨ ના ચૈત્ર માસમાં ૪૦૦ વર્ષ પૂર્ણ થયા હતા. અયોધ્યાના મહંત જાનકીદાસ મહારાજને જૂના ચોપડાઓમાંથી આ દિવ્ય પ્રાગટ્યનો રોમાંચક ઇતિહાસ પ્રાપ્ત થયો છે.સદીઓ પૂર્વે વિરમગામ પાસે રોકાયેલી અયોધ્યાના સાધુઓની જમાતમાં રામાયણના વક્તા મહાત્મા દામોદરદાસજી પણ હતા. એક રાત્રે નિદ્રાધીન દામોદરદાસજીને મહાવીર હનુમાનજીના દર્શન થયા. દાદાએ આદેશ આપ્યો કે, “સબાડ (હાલનું દામનગર) અને લાઠી વચ્ચેના જંગલમાં એક ટેકરા પર બાવળનું ઝાડ છે, ત્યાં તમે ચૈત્ર સુદ પૂનમ પહેલાં પહોંચી જજો. પૂણિમાની મધ્યરાત્રિએ ત્યાં મારું પ્રાગટ્ય થશે.”

ગુરુદેવની આજ્ઞા લઈ દામોદરદાસજી પગપાળા મેથળી ગામે પહોંચ્યા. ગ્રામજનોના સહયોગથી તેઓ નિર્ધારિત ટેકરા પર પર્ણકુટી બનાવીને રહ્યા. ચૈત્ર સુદ ૧૫ ની રાત્રિએ ત્યાં માનવ મહેરામણ વચ્ચે ભજન-કીર્તન ચાલી રહ્યા હતા. બરાબર મધ્યરાત્રિએ તોપના ગોળા જેવા ભયંકર ધડાકા સાથે મોટો બાવળ ઉખડી ગયો અને સપાટ ભૂમિ પર સિંદૂરથી રંગાયેલી હનુમાનજીની પ્રચંડ મૂર્તિના દર્શન થયા. દામોદરદાસજીએ આરતી-પૂજન કર્યું, અને ત્યારબાદ લાઠીના રાજવી લાખાજીરાજે ત્યાં શિખરબદ્ધ દેરી બનાવી આપી હતી.

વર્ષો બાદ સ્વામિનારાયણ ભગવાન (શ્રીજી મહારાજ) સંતો સાથે પસાર થતી વખતે ભુરખિયા દાદાના સ્થાને રોકાયા હતા. તેમની આજ્ઞાથી ગોપાળાનંદજી સ્વામીએ વીરાસને બેસીને યોગદ્રષ્ટિથી સ્તુતિ કરી, જેથી સુષુપ્ત મૂર્તિમાં ઓજસ ઝળહળી ઊઠ્યું અને મૂર્તિ જાગૃત થઈ.

આ સ્થાન લાઠીથી ૧૦ કિમી, અમરેલીથી ૩૫ કિમી, ભાવનગરથી ૮૦ કિમી, રાજકોટથી ૧૦૫ કિમી અને અમદાવાદથી ૨૨૫ કિમી દૂર છે. એસટી બસો, ખાનગી વાહનો અને ઢસા જંક્શનથી રેલવે માર્ગે પણ આસાનીથી ભુરખિયા જઈ શકાય છે.