બુલેટ ટ્રેનનું 'ઘર અને હોસ્પિટલ' હવે સુરતમાં: 27 હેક્ટરમાં બની રહ્યો છે અત્યાધુનિક રોલિંગ સ્ટોક ડેપો
- સ્ટેશનથી માત્ર 2 કિમી દૂર પૂરજોશમાં કામગીરી - 320 કિમીની ઝડપે દોડતી ટ્રેનોનું અહીં થશે હાઈટેક રિપેરિંગ
- સાબરમતી અને સુરત બનશે બુલેટ ટ્રેનના જાળવણીના હબ - વ્હીલ રિ-પ્રોફાઇલિંગ અને વોશિંગ પ્લાન્ટ જેવી સુવિધાઓ
- અકસ્માત નિવારવા દરરોજ થશે અત્યાધુનિક તપાસ - સુરત-બિલીમોરા પ્રથમ તબક્કા માટે આ ડેપો બનશે કરોડરજ્જુ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે સાકાર થવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે સુરતમાં બુલેટ ટ્રેનની જાળવણી અને મરામત માટેનું મહત્વનું કેન્દ્ર 'રોલિંગ સ્ટોક ડેપો' પૂરજોશમાં બની રહ્યો છે. સુરત બુલેટ ટ્રેન સ્ટેશન (અંત્રોલી) થી માત્ર 2 કિમી દૂર દક્ષિણ દિશામાં 27 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં આ ડેપોનું નિર્માણ થઈ રહ્યું છે. આ ડેપો બુલેટ ટ્રેન માટે માત્ર પાર્કિંગની જગ્યા જ નહીં, પરંતુ એક હાઈટેક 'હોસ્પિટલ' તરીકે કામ કરશે, જ્યાં ટ્રેનોનું નિયમિત નિરીક્ષણ અને રિપેરિંગ કરવામાં આવશે.
નેશનલ હાઈવે-53 (સુરત-બારડોલી રોડ) પાસે આવેલા આ ડેપોનું નિર્માણ આઈઆરકોન ઈન્ટરનેશનલ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. રેલવેની ભાષામાં 'રોલિંગ સ્ટોક' એટલે ટ્રેનના ડબ્બા, એન્જિન અને ટ્રેનસેટ. 320 કિમી પ્રતિ કલાકની પ્રચંડ ગતિએ દોડતી બુલેટ ટ્રેનમાં સુરક્ષા સૌથી મહત્વની છે. આ ડેપોમાં ટ્રેનોનું દરરોજ નિરીક્ષણ કરવામાં આવશે જેથી કોઈ પણ નાની ખામીને સમયસર શોધી શકાય અને સંભવિત અકસ્માત ટાળી શકાય.
સુરત ડેપો અત્યાધુનિક સાધનોથી સજ્જ હશે, જેમાં ટ્રેનસેટના હળવા મેન્ટેનન્સ માટે ખાસ નિરીક્ષણ ખાડીઓ (Inspection Bays), ઓટોમેટિક વોશિંગ પ્લાન્ટ અને સ્ટેબલિંગ લાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલમાં બે નિરીક્ષણ લાઈનો તૈયાર થઈ રહી છે અને ભવિષ્યમાં તેની સંખ્યા વધારવાનું આયોજન છે. આ ઉપરાંત, ટ્રેનના પૈડાંના ઘસારાને તપાસવા અને તેને ઠીક કરવા માટે 'વ્હીલ રિ-પ્રોફાઇલિંગ' જેવી અદ્યતન સુવિધાઓ પણ અહીં કાર્યરત કરવામાં આવશે.
નોંધનીય છે કે સમગ્ર બુલેટ ટ્રેન રૂટ પર ત્રણ ડેપો બનાવવામાં આવનાર છે, જેમાં ગુજરાતમાં સાબરમતી અને સુરત તથા મહારાષ્ટ્રમાં થાણેનો સમાવેશ થાય છે. સુરત ડેપો એટલા માટે પણ મહત્વનો છે કારણ કે સુરત-બિલીમોરા વચ્ચેના પ્રથમ તબક્કાના ટ્રાયલ માટે આ ડેપો કરોડરજ્જુ સમાન સાબિત થશે. નિયોલ રેલવે સ્ટેશનની ઉત્તરે સ્થિત આ સ્થળ બુલેટ ટ્રેનના મુખ્ય રૂટ પર હોવાથી લોજિસ્ટિક્સની દ્રષ્ટિએ પણ અનુકૂળ છે.
સુરતમાં આ પ્રોજેક્ટના નિર્માણથી સ્થાનિક સ્તરે એન્જિનિયરિંગ અને ટેકનિકલ ક્ષેત્રે રોજગારીની નવી તકો પણ ઉભી થશે. અત્યારે ફ્લોર લેવલ પરની તપાસ માટે ખાસ જગ્યાઓ તૈયાર કરવાનું કામ અંતિમ તબક્કામાં છે. આગામી સમયમાં જ્યારે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પાટા પર દોડશે, ત્યારે તેની સુરક્ષા અને ચમક જાળવી રાખવાની જવાબદારી સુરતના આ અત્યાધુનિક ડેપોની રહેશે.