સુરત હવે 'સ્પોર્ટ્સ હબ' બનવા તૈયાર: જહાંગીરપુરામાં ઓલમ્પિક સાઈઝ પૂલ અને વેસુમાં 'સીનર્જી અરેના' આકાર લેશે!
- મનપા કમિશનર એમ. નાગરાજને આપી મંજૂરી – ગુજરાતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ અને આર્ટ્સ સેન્ટર બનશે
- 1500 લોકોની ક્ષમતાનું ઓડિટોરિયમ અને હાઈ-એન્ડ હોટેલ રૂમ્સ – PPP મોડલથી પ્રોજેક્ટ થશે સાકાર
- પિકલબોલ અને બોક્સ ક્રિકેટ જેવી આધુનિક સુવિધાઓ – યુવાનો માટે કેફેટેરિયા અને જીમની પણ વ્યવસ્થા
સુરત શહેર હવે હીરા અને ટેક્સટાઇલ સિટી બાદ 'સ્પોર્ટ્સ અને કલ્ચરલ હબ' તરીકે ઓળખાવા જઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજને શહેરના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને જહાંગીરપુરા અને વેસુ વિસ્તારમાં બે અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. નાણાકીય વર્ષ 2026-27 ના બજેટમાં આ પ્રોજેક્ટ્સ માટે જોગવાઈ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ સુરતના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સવલતો અને નાગરિકોને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અત્યાધુનિક મંચ પૂરો પાડવાનો છે.
જહાંગીરપુરા વિસ્તારમાં આશરે 17,000 ચોરસ મીટરના વિશાળ પ્લોટ પર એક ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવશે. આ સંકુલની સૌથી મોટી ખાસિયત અહીં બનનારો ઓલમ્પિક માપદંડ મુજબનો સ્વિમિંગ પૂલ હશે. આ ઉપરાંત શિખાઉ લોકો માટે 'લર્નર્સ પૂલ' ની અલગ વ્યવસ્થા કરાશે. ઇન્ડોર સ્પોર્ટ્સમાં અત્યાધુનિક જીમ, બેડમિન્ટન કોર્ટ અને ટેબલ ટેનિસની સાથે આજના યુવાનોમાં લોકપ્રિય પિકલબોલ, વોલીબોલ અને બોક્સ ક્રિકેટ માટે ખાસ મેદાનો તૈયાર કરવામાં આવશે. મુલાકાતીઓની સુવિધા માટે અહીં કેફેટેરિયા અને સ્પોર્ટ્સ યુટિલિટી શોપ પણ કાર્યરત કરાશે.
બીજી તરફ, વેસુ વિસ્તારમાં શહીદ સ્મારક પાસે 25,000 ચોરસ મીટરની જગ્યામાં 'સીનર્જી અરેના' પ્રોજેક્ટ સાકાર થશે. આ ગુજરાતનો પ્રથમ 'ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ અને આર્ટ્સ ફેસિલિટી' પ્રોજેક્ટ છે. અહીં 1500 લોકોની બેઠક ક્ષમતા ધરાવતું આધુનિક ઓડિટોરિયમ અને 1200 લોકોની ક્ષમતા ધરાવતો કન્વેન્શન હોલ બનાવવામાં આવશે, જે એક્ઝિબિશન કે સેમિનાર માટે ઉત્તમ સાબિત થશે. સામાજિક પ્રસંગો માટે બેન્ક્વેટ હોલની સાથે સાથે બહારથી આવતા કલાકારો કે મહેમાનોના રોકાણ માટે 15 થી 20 હાઈ-એન્ડ હોટેલ રૂમ્સની સુવિધા પણ આ પ્રોજેક્ટનો મુખ્ય ભાગ છે.
આ બંને પ્રોજેક્ટ્સનું સંચાલન પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી પાલિકા પર આર્થિક બોજ ઓછો રહે અને સુવિધાઓનું સંચાલન પ્રોફેશનલ રીતે થાય. કમિશનરે આ પ્રોજેક્ટ્સની ડિઝાઈનમાં પાર્કિંગ, ફાયર સેફ્ટી અને દિવ્યાંગો માટેની સુવિધાઓ પર ખાસ ભાર મૂક્યો છે. એન્જિનિયરિંગ વિભાગને ટેન્ડરિંગ પ્રક્રિયા વેગવંતી કરવા સૂચના આપી દેવામાં આવી છે.
રાજકોટ જેવા શહેરોમાં પણ જ્યારે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે, ત્યારે સુરતની આ પહેલ સમગ્ર ગુજરાત માટે એક નવું મોડેલ પૂરું પાડશે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતા સુરતના ખેલાડીઓને ઓલમ્પિક જેવી સ્પર્ધાઓ માટે તૈયાર થવામાં મોટી મદદ મળશે અને શહેરની સાંસ્કૃતિક ગરિમામાં પણ વધારો થશે.