Loading Please Wait !!!
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધના કાળા વાદળો: ₹25,000 કરોડના ઓર્ડર ફસાયા, ઉદ્યોગપતિઓની ઊંઘ હરામ!

  • ઈરાન-ઇઝરાયલ સંઘર્ષની સીધી અસર - કન્ટેનર ભાડામાં 400% નો તોતિંગ વધારો અને રો-મટીરિયલની અછત
  • દેશના કુલ ઉત્પાદનમાં 55% હિસ્સો ધરાવતા સુરત પર મોટું જોખમ - નવા ઓર્ડર પર લાગી 'બ્રેક'
  • સપ્લાય ચેઈન ખોરવાતા ચીન અને વિયેતનામથી આવતો કાચો માલ અટક્યો - એક્સપોર્ટ માર્કેટમાં પણ મોટો ઘટાડો

હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં વિશ્વભરમાં ડંકો વગાડનાર સુરત હવે સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગમાં પણ ભારતનું હબ બની ગયું છે. દેશના કુલ ઉત્પાદનમાં 55 ટકા હિસ્સો ધરાવતું આ સેક્ટર અત્યારે ઈરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે ગંભીર વૈશ્વિક સંકટનો સામનો કરી રહ્યું છે. સુરતના ઉદ્યોગપતિઓ પાસે હાલ ₹25,000 કરોડના મસમોટા ઓર્ડર છે, પરંતુ કાચા માલની અછત અને ટ્રાન્સપોર્ટેશનના આસમાને પહોંચેલા ભાવે તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે.

કન્ટેનર ભાડામાં 400% નો તોતિંગ વધારો સોલાર પેનલના અગ્રણી ઉદ્યોગપતિ ચેતન શેઠના જણાવ્યા અનુસાર, યુદ્ધની પરિસ્થિતિને કારણે દરિયાઈ માર્ગો પર શિપિંગ લાઈન્સ ખૂબ જ લેટ ચાલી રહી છે. જે કન્ટેનરનું ભાડું અગાઉ 600 થી 900 ડોલર હતું, તે હવે વધીને 3,500 થી 4,000 ડોલર સુધી પહોંચી ગયું છે. આ ચાર ગણા વધારાને કારણે ઉત્પાદન ખર્ચમાં અસહ્ય વધારો થયો છે. ચીન, વિયેતનામ અને મલેશિયાથી આવતું રો-મટીરિયલ સમયસર ન મળતા ફેક્ટરીઓમાં કામકાજ ધીમું પડી ગયું છે.

ફિક્સ પ્રાઈસ અને નુકસાનનો ડર સુરતના ઉત્પાદકો માટે સૌથી મોટી ચિંતા એ છે કે મોટાભાગના ₹25,000 કરોડના ઓર્ડર અગાઉથી નક્કી કરેલા 'ફિક્સ પ્રાઈસ' પર લેવામાં આવ્યા છે. હવે જ્યારે રો-મટીરિયલ અને શિપિંગ મોંઘું થયું છે, ત્યારે આ ઓર્ડર પૂરા કરવામાં ઉદ્યોગકારોને અંદાજે 20 ટકા જેટલું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડોલરની કિંમત ₹95 ની આસપાસ પહોંચતા આયાત થતો માલ પણ ખિસ્સા ખાલી કરાવી રહ્યો છે.

એક્સપોર્ટ અને નવા ઓર્ડર પર બ્રેક યુરોપ અને અમેરિકામાં શિપિંગ લાઈન્સની અછત અને ઉંચા દરોને કારણે એક્સપોર્ટ ઓર્ડરમાં મોટો ઘટાડો નોંધાયો છે. આગામી જૂનથી સપ્ટેમ્બર મહિના માટે નવા ઓર્ડર લેવામાં ઉત્પાદકો ખચકાઈ રહ્યા છે કારણ કે ગ્રાહકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે. જો આ સ્થિતિ વધુ એકાદ મહિનો ચાલશે, તો સુરતના હજારો શ્રમિકોની રોજીરોટી પર પણ અસર પડી શકે છે. સુરતના અર્થતંત્રને ટકાવી રાખવા માટે ઉદ્યોગકારો હવે કેન્દ્ર સરકાર પાસે ઇમ્પોર્ટ ડ્યુટીમાં રાહત અને વિશેષ આર્થિક પ્રોત્સાહન મળે તેવી આશા રાખી રહ્યા છે.