સુરતમાં શ્વાસ લેવો બન્યો દુષ્કર: ખજોદની આગથી 10 દિવસથી ધુમાડાનું 'તાંડવ', લોકો ઘરમાં પણ માસ્ક પહેરવા મજબૂર!
- "પહેલા આગ બુઝાવો, પછી વોટ માંગવા આવજો" – અનેક સોસાયટીના રહીશોએ આપી ચૂંટણી બહિષ્કારની ધમકી
- 2000થી વધુ મતદારોનો 'નો વોટ, નો એન્ટ્રી'નો હુંકાર – શું આ કચરાના નિકાલનું મસમોટું કૌભાંડ છે?
- બાળકોનું મેદાન અને વૃદ્ધોનું વોકિંગ બંધ – એવોર્ડ જીતતી સુરત મનપાની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો
સુરત મહાનગરપાલિકા ભલે સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં એવોર્ડ જીતતી હોય, પરંતુ શહેરના ખજોદ વિસ્તારની વાસ્તવિકતા અત્યંત ડરામણી અને શરમજનક જોવા મળી રહી છે. ખજોદ ડમ્પિંગ સાઈટમાં છેલ્લા ૧૦ દિવસથી લાગેલી ભીષણ આગ હવે માત્ર કચરો જ નથી સળગાવી રહી, પરંતુ આસપાસ રહેતા હજારો લોકોના શ્વાસ પણ રૂંધી રહી છે. સરસાણા અને તેની આસપાસની અનેક સોસાયટીઓના રહીશો ઝેરી ધુમાડાને કારણે ગૂંગળામણ અનુભવી રહ્યા છે અને હવે તેમનો આક્રોશ ફાટી નીકળ્યો છે.
ખજોદ વિસ્તારમાં આવેલી 'આગમ હાઈટ્સ' અને 'સનફ્લાવર' જેવી પ્રતિષ્ઠિત સોસાયટીના રહીશોએ જાહેરાત કરી છે કે જો આ આગનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. માત્ર એક જ સોસાયટીના અંદાજે ૨૦૦૦ થી વધુ મતદારોએ 'નો વોટ, નો એન્ટ્રી'ના બેનરો સાથે નેતાઓ સામે મોરચો માંડ્યો છે. રહીશોનો સીધો સવાલ છે કે જ્યારે અમારા જીવ જોખમમાં છે ત્યારે નેતાઓ કે કોર્પોરેટરો કેમ ડોકાતા નથી? એવોર્ડની ચમક વચ્ચે સામાન્ય માણસના શ્વાસની કોઈ કિંમત નથી તેવો સુર રહીશોમાં જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહીશોની હાલત અત્યારે 'મિની લોકડાઉન' જેવી થઈ ગઈ છે. સિનિયર સિટીઝનો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી ઘરની બહાર નીકળી શકતા નથી, તો બાળકોને મેદાનમાં રમવા જવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. લોકો પોતાના જ ઘરમાં ૨૪ કલાક બારી-બારણાં બંધ રાખીને માસ્ક પહેરીને રહેવા મજબૂર બન્યા છે. સનફ્લાવર સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ, સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે આ પ્રકારનું પ્રદૂષણ તંત્રની ઘોર નિષ્ફળતા અને બેદરકારી સાબિત કરે છે.
આ ઘટનામાં રહીશોએ એક મસમોટા કચરા-કૌભાંડની પણ આશંકા વ્યક્ત કરી છે. રહીશોનો ગંભીર આક્ષેપ છે કે દર ૧૫-૨૦ દિવસે અહીં આગ લાગે છે, જે કુદરતી હોઈ શકે નહીં. કચરાના નિકાલ માટે કરોડોના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે છતાં કચરો સળગાવવાની નોબત કેમ આવે છે? શું કચરો ઓછો બતાવવા માટે આ જાણીજોઈને આગ લગાડવામાં આવે છે? SMC એ આ બાબતે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ બેસાડવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
હાલમાં ખજોદ નજીકના વિસ્તારોના ૩૦૦૦ થી વધુ પરિવારોએ એક થઈને તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે. જો આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે આગ બુઝાવવામાં નહીં આવે અને કચરાના નિકાલની કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ અમલમાં નહીં મૂકાય, તો રહીશો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે. ચૂંટણીના માહોલમાં જનતાનો આ આક્રોશ રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે.