Loading Please Wait !!!
સુરત વોર્ડ-1 માં જનતાનો 'હૂંકાર': "કોર્પોરેટરોને તો ઓળખતા જ નથી, ચૂંટણી આવે ત્યારે જ બધા મોઢા બતાવે છે!"

  • જહાંગીરપુરા અને કોસાડમાં ગંદકીના ઢગલા અને ટ્રાફિકથી રહીશો બેહાલ - વિકાસના નામે માત્ર થીગડા માર્યાનો આક્ષેપ
  • પાંચ વર્ષમાં મહિલા કોર્પોરેટરો ગુમ - અમરોલીમાં સરકારી સ્કૂલના અભાવે વાલીઓમાં ભારે નારાજગી
  • અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી રહેણાંક વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગનો ખેલ - આખી સોસાયટીએ કર્યો વિરોધ

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 1 (જહાંગીરપુરા, વરિયાવ, છાપરાભાઠા અને કોસાડ) ની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન સ્થાનિકોએ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, પાંચ વર્ષ વીતી ગયા છતાં તેઓ પોતાના કોર્પોરેટરોને ઓળખતા પણ નથી. "ચૂંટણી આવે એટલે બધા હાથ જોડીને દોડ્યા આવે છે, પણ બાકીના સમયમાં જનતાના પ્રશ્નો સાંભળનાર કોઈ નથી," તેમ રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું હતું.

અમરોલી અને છાપરાભાઠા વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા ગંદકી અને ખદબદતી ખાડીની છે. ગીતાબેન ચોટલિયા જેવા વાલીઓનું કહેવું છે કે અહીં સરકારી સ્કૂલો નથી, અને ખાનગી સ્કૂલોની ફી ભરવી મધ્યમ વર્ગ માટે અશક્ય બની રહી છે. હીરા અને સાડી ઉદ્યોગમાં મંદી વચ્ચે ઘર ચલાવવું મુશ્કેલ છે, ત્યારે નેતાઓ માત્ર વાયદાઓ કરી રહ્યા છે. અનેક લોકોએ આ વખતે મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

મહિલા સુરક્ષા પણ વોર્ડ-1 માં એક ગંભીર મુદ્દો બનીને ઉભરી રહ્યો છે. રાજલ દવે અને રેખા તારા જેવી મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં છેડતી અને અસામાજિક તત્વોનો ભય રહે છે. કોસાડ ગાર્ડન જેવી જગ્યાઓ, જ્યાં વરિષ્ઠ નાગરિકો વોકિંગ કરવા જાય છે, ત્યાં દારૂડિયાઓના અડ્ડા જામતા હોવાની ફરિયાદ હર્ષદભાઈ સવાણીએ કરી છે. પોલીસ કે એસએમસી (SMC) ના અધિકારીઓ આ બાબતે મૌન સેવી રહ્યા હોવાનું જનતા માની રહી છે.

ટ્રાફિકની સમસ્યાથી તો અમરોલીવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વિપુલભાઈના જણાવ્યા મુજબ, તાપી નદીના બ્રિજ પર સવાર-સાંજ કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. રોડ-રસ્તાના નામે માત્ર થીગડા મારવાની કામગીરી ચાલી રહી છે. અધિકારીઓ પોતાની મનમાની કરીને રોડ ખોદી નાખે છે અને પછી જનતાને હેરાન થવા માટે છોડી દેવામાં આવે છે. ભાજપના ચાર કોર્પોરેટરો હોવા છતાં જમીની સ્તરે કોઈ કામગીરી દેખાતી નથી તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.

આ ઉપરાંત, અમિત તાડા નામના રહીશે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, રહેણાંક વિસ્તારોમાં કોર્પોરેટરોની મહેરબાનીથી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની પરમિશનો આપવામાં આવે છે. જ્યારે જનતા આનો વિરોધ કરવા નીકળે છે, ત્યારે જ કોર્પોરેટરો દેખા દે છે અને તેને 'સરકારી કામ' ગણાવી અટકાવવા દેતા નથી. કચરો સળગાવવાથી થતા પ્રદૂષણ મુદ્દે મેયર અને કમિશનર સુધી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી ટાણે જનતા આ નારાજગીનો જવાબ કઈ રીતે આપે છે.