સુરત SBI લૂંટનો ભેદ ઉકેલાયો: યુપીના અયોધ્યા અને ગોંડાથી બે શાતિર લૂંટારુઓ ઝડપાયા
- ફેક આઈડીથી બાઈક ખરીદી અને રાંદેરમાં રોકાયા હતા, ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસિસથી દબોચ્યા
- અપાચે અને પલ્સર બાઈકનો ઉપયોગ કરી 50 લાખની લૂંટ કરી હતી, ડુપ્લિકેટ આધારકાર્ડના આધારે ખેલાયો હતો ખેલ
- તેલંગાણાથી બાઈક લાવ્યા અને સુરતમાં ANPR કેમેરામાં કેદ થયા, 120 પોલીસ જવાનોની મહેનત લાવી રંગ
સુરત | સિટી ન્યૂઝ : સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખામાં થયેલી 50 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સઘન તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડા જિલ્લામાંથી બે શાતિર આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓના નામ શુભમ કુમાર અજીત ઠાકુર અને વિકાસ સિંઘ અરુણ કુમાર સિંઘ છે.
તપાસમાં બહાર આવ્યું છે કે લૂંટારુઓએ આ કાંડને અંજામ આપવા માટે અત્યંત આયોજનબદ્ધ કાવતરું રચ્યું હતું. આરોપીઓએ લૂંટ માટે વાપરેલી અપાચે બાઈક તેલંગાણાથી ધીરજ કુમાર નામના ફેક આઈડી પર ખરીદી હતી. આ ઉપરાંત, એક સ્પ્લેન્ડર બાઈક સુરતના ખટોદરા વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી. લૂંટારુઓ ઘટનાના એક મહિના અગાઉ જ સુરત આવી ગયા હતા અને રાંદેર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. જોકે, પોતાની ઓળખ છુપાવવા માટે તેમણે લૂંટના 10 દિવસ પહેલા જ એટલે કે 17 એપ્રિલે તે મકાન ખાલી કરી દીધું હતું. આ રૂમ પણ તેમણે ફેક આધારકાર્ડના આધારે જ ભાડે રાખ્યો હતો.
લૂંટની ઘટનામાં પાંચથી વધુ હથિયારધારી લૂંટારુઓ ખુલ્લા ચહેરે બેંકમાં ઘૂસ્યા હતા અને પિસ્તોલ બતાવી મેનેજર, કેશિયર અને ગ્રાહકો સહિત અનેક લોકોને બંધક બનાવી 50 લાખ રૂપિયા અને મોબાઈલ ફોન લૂંટીને ફરાર થઈ ગયા હતા. પોલીસ માટે આ આરોપીઓ સુધી પહોંચવું પડકારજનક હતું, પરંતુ શહેરના એરપોર્ટ રોડ પર લાગેલા ANPR (ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન) કેમેરા અને બેંકના સીસીટીવી ફૂટેજ લૂંટારુઓની કડી મેળવવામાં મહત્વના સાબિત થયા હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચના 120 થી વધુ પોલીસ જવાનો છેલ્લા સાત દિવસથી આ કેસમાં પરસેવો પાડી રહ્યા હતા. ટેકનિકલ એનાલિસિસમાં ત્રણ એવા મોબાઈલ નંબર મળ્યા હતા જે લૂંટારુઓની મૂવમેન્ટ સાથે મેચ થતા હતા. આ ડેટાના આધારે પોલીસની ટીમે ઉત્તર પ્રદેશમાં ધામા નાખ્યા હતા અને આખરે સફળતા મેળવી હતી. પકડાયેલા બંને આરોપીઓને આજે ગોંડા કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે, ત્યારબાદ તેમને સુરત લાવીને લૂંટાયેલી રકમ અને અન્ય સાથીદારો વિશે પૂછપરછ હાથ ધરવામાં આવશે.