Loading Please Wait !!!
સુરતમાં છઠ પૂજા માટે એક મહિના પહેલા જગ્યા રોકાઈ

 

  • ચારથી પાંચ લાખ શ્રદ્ધાળુઓ છઠ પૂજામાં જોડાશે

  • સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરાઈ

  • વીસ જેટલા સ્થળો પર પૂજાની ભવ્ય તૈયારીઓ

સિટી ન્યુઝ @ સુરત

સુરત શહેરમાં વસતા લાખો ઉત્તર ભારતીયો માટે છઠ પૂજા એ સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે. દર વર્ષે આ મહાપર્વમાં ભાગ લેનાર શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત મોટો વધારો નોંધાઈ રહ્યો છે, અને આ વર્ષે પણ સુરત જિલ્લામાં અંદાજે 4 થી 5 લાખ જેટલા શ્રદ્ધાળુઓ છઠ પૂજામાં જોડાશે તેવી પૂરી શક્યતા છે. સુરત મહાનગરપાલિકા અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં કૃત્રિમ તળાવો તેમજ નહેર અને નદી કાંઠે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે.

પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે આટલી વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડવાના હોવાથી ડિંડોલી ખાતે છઠ પૂજા તળાવ પર શ્રદ્ધાળુઓએ એક મહિના અગાઉથી જ પોતાની જગ્યા રોકવાનું શરૂ કરી દીધું છે. લોકોએ તળાવની પાળ પર પોતાના નામ અને મોબાઈલ નંબર લખીને અત્યારથી જ જગ્યાઓ બુક કરી લીધી છે. ડિંડોલીમાં ઘાટ પર નામ અને નંબર લખીને જગ્યા રિઝર્વ કરવાની આ પ્રથા સામે આવતા બિહાર સમાજના આગેવાનોએ સ્પષ્ટતા કરવી પડી છે.

બિહાર સમાજના લોકોએ સ્પષ્ટ અપીલ કરી છે કે આ પ્રકારનું કોઈ અધિકૃત 'રિઝર્વેશન' સંસ્થા દ્વારા કરવામાં આવતું નથી અને આ વ્યવસ્થા માત્ર સ્થાનિક લોકોએ પોતાની અનુકૂળતા માટે જાતે જ ઊભી કરી છે. સંસ્થા દ્વારા તમામ શ્રદ્ધાળુઓને એક જ દિવસે પૂજા માટે એકત્ર થવા જણાવાયું છે. આગેવાનોના જણાવ્યા અનુસાર છઠ પૂજા માટે આવતા તમામ લોકોને પૂરતી જગ્યા મળી રહે છે, જેથી કોઈએ આ રીતે મહિના અગાઉથી જગ્યા રોકી રાખવાની જરૂર હોતી નથી.

સુરત મનપા અને સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શહેરમાં 18 થી 20 જેટલી જગ્યાઓ પર છઠ પૂજાની ભવ્ય વ્યવસ્થા કરાય છે. અંબિકા નિકેતન પાછળ તાપી નદીના કિનારે સર્જાતો માહોલ સુરતને મિની બિહારમાં ફેરવી દે છે. એક તરફ શ્રદ્ધાળુઓ પૂજાની તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજી તરફ દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં સુરતથી લાખોની સંખ્યામાં પરપ્રાંતિયો પોતાના વતન યુપી, બિહાર અને ઝારખંડ જવા માટે રેલવે સ્ટેશન પર ઉમટી પડે છે, જ્યાં સ્પેશિયલ ટ્રેનો પણ ઓછી પડે છે.

બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અજય ચૌધરીએ રેલવે તંત્રને આગ્રહ કર્યો છે કે ઉત્તર ભારત તરફ જતી વધુ સ્પેશિયલ ટ્રેનો ફાળવવામાં આવે. સ્ટેશન પર 12 થી 24 કલાક રાહ જોતા મુસાફરો માટે તડકાથી બચવા મંડપ અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા થાય તે અત્યંત અનિવાર્ય છે, જેથી નાગરિકોને હાલાકી ન પડે.

ઉત્સવ અને જનસુવિધાના પડકારો

તહેવારોના સમયે પરપ્રાંતિય શ્રદ્ધાળુઓની સુરક્ષા, આસ્થા અને યાત્રાકીય સુવિધાઓનું વહીવટી તંત્ર દ્વારા યોગ્ય આયોજન થવું એ તંત્રની પ્રાથમિક જવાબદારી છે.