સુરતમાં 'પોસ્ટર વોર' પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક: ભાજપ વિરુદ્ધ વાંધાજનક લખાણ લખનાર 3 શખ્સો સામે FIR!
- કમળ પર લાલ ચોકડી અને ખોટી હકીકતો ફેલાવવાનો આરોપ - પૂણા અને કતારગામમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો
- વિશાલ ચાવડા અને દેવશી ઠેબરીયા સહિતના શખ્સો સામે ગુનો દાખલ - પ્રેસની વિગતો છુપાવી કાયદાના ધજાગરા ઉડાડ્યા
- આંબાતલાવડી અને લલિતા ચોકડી જેવા વિસ્તારોને નિશાન બનાવાયા - ચૂંટણી પૂર્વે સુરતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા સુરતનું રાજકીય મેદાન જંગના અખાડામાં ફેરવાઈ ગયું છે. છેલ્લા બે દિવસથી સુરતના રસ્તાઓ પર ભાજપ વિરુદ્ધ થયેલા પોસ્ટર વોરે સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને ભાજપના પ્રતીક 'કમળ' પર લાલ ચોકડી મારેલા અને પાયાના મુદ્દાઓ પર શાસક પક્ષને ઘેરતા પોસ્ટરોએ ભાજપના ગઢમાં હલચલ મચાવી દીધી છે.
કાયદાનો ગાળિયો અને રાજકીય દ્વેષ પોલીસના મતે, આ માત્ર રાજકીય વિરોધ નથી પણ કાયદાકીય ઉલ્લંઘન છે. નિયમ મુજબ કોઈપણ રાજકીય પત્રિકા કે પોસ્ટર પર પ્રેસની વિગતો હોવી અનિવાર્ય છે, જે આ કેસમાં ગેરહાજર હતી. આરોપીઓએ પરસ્પર મિલીભગત કરી રાજકીય દ્વેષ રાખીને પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનું એફઆઈઆરમાં જણાવાયું છે.
સીસીટીવી ખંગાળતી પોલીસ પૂણા અને કતારગામ જેવા વિસ્તારો, જે સુરતના રાજકારણના મુખ્ય કેન્દ્રો ગણાય છે, ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિ થતા પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. અત્યારે 3 મુખ્ય આરોપીઓ સામે નામજોગ ફરિયાદ થઈ છે, પરંતુ આની પાછળ કોઈ મોટું રાજકીય માથું કે અન્ય કોઈ સંગઠનનો હાથ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ચૂંટણીના માહોલ વચ્ચે આ પોસ્ટર વોરે જનતામાં પણ નવી ચર્ચા છેડી દીધી છે.