Loading Please Wait !!!
સુરતમાં પોલીસ દાદાગીરીનો નવો વિવાદ: અરજી પાછી ખેંચાવવા ટી સ્ટોલ સંચાલક પર દબાણ

 

  • લિંબાયતમાં ટી સેન્ટર સંચાલકને માર મારવાના કેસમાં 21 August એ હાઇકોર્ટમાં સુનાવણી

  • મનોજ યાદવે પોલીસ સામે રજૂ કર્યા 13 July, 8 August અને 19 August ના CCTV

  • મફતમાં પાન-સિગરેટ ન આપતાં 4 થી 5 પોલીસકર્મીઓએ માર માર્યાનો અરજદારનો આક્ષેપ

સિટી ન્યુઝ @ સુરત

સુરત SOG ના ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા જાહેરમાં આરોપીઓને ફટકારવાના મામલે હાઇકોર્ટમાં સુઓમોટો કાર્યવાહી ચાલી રહી છે, ત્યાં જ સુરત પોલીસની કથિત દાદાગીરીનો વધુ એક ગંભીર મામલો ગુજરાત હાઇકોર્ટના દ્વારે પહોંચ્યો છે. લિંબાયત વિસ્તારમાં ટી સ્ટોલ ચલાવતા સંચાલક પર પોલીસકર્મીઓએ કરેલા હુમલા અને ત્યારબાદ અરજી પરત ખેંચાવવા માટે કરાયેલા સતત માનસિક દબાણ સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી 21 August ના રોજ હાથ ધરવામાં આવશે.

અરજદાર મનોજ યાદવના જણાવ્યા અનુસાર, 13 July 2026 ના રોજ રાત્રે 11 વાગ્યે 4 થી 5 પોલીસકર્મીઓ તેમના ટી સ્ટોલ પર આવ્યા હતા અને મફતમાં પાન, સિગરેટ તેમજ એનર્જી ડ્રિન્ક્સની માંગણી કરી હતી. વેપારીએ મફતમાં સામાન આપવાનો ઇનકાર કરતાં ઉશ્કેરાયેલા પોલીસકર્મીઓએ તેમના માથાના વાળ ખેંચીને ઢોરમાર માર્યો હતો. આ અન્યાય સામે પીડિતે સુરત પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે સ્થાનિક ડીસીપીને તપાસના આદેશ અપાયા હતા.

પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ કરવા છતાં યોગ્ય ન્યાય ન મળતાં અરજદાર દ્વારા 17 August ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જોકે, હાઇકોર્ટમાં કેસ દાખલ થતાં જ લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા અરજી પાછી ખેંચી લેવા માટે દબાણ શરૂ કરવામાં આવ્યું હોવાનો વેપારીએ ગંભીર આક્ષેપ કર્યો છે.

પોતાના દાવાના સમર્થનમાં અરજદાર દ્વારા 3 અલગ-અલગ તારીખોના CCTV ફૂટેજ પણ કોર્ટ સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. જેમાં 8 August ના રોજ રાત્રે 10:45 વાગ્યે પોલીસ સ્ટાફ આવીને અરજદારના ભાઈને બળજબરીપૂર્વક પોલીસ સ્ટેશન લઈ જતો દેખાય છે, જ્યારે 19 August ના રોજ સાંજે 7 વાગ્યે લિંબાયત પીઆઈ સહિતનો કાફલો પહોંચીને દુકાનમાંથી કર્મચારીઓને રિક્ષામાં બેસાડી લઈ ગયો હતો અને ભાડા કરાર માંગી સતત માનસિક ત્રાસ આપ્યો હતો.

આમ, શહેરમાં ખાખી વર્દીની છબી ખરડાવતી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ડીસીપી નકુમના કેસ બાદ હવે લિંબાયત પોલીસની કથિત કનડગત સામે હાઇકોર્ટમાં સુનાવણી નિયત થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ રાજકીય વર્તુળોમાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

લિંબાયત પોલીસની દાદાગીરી સામે હાઇકોર્ટમાં સુનાવણી

સુરતના લિંબાયતમાં મફત સામાન ન આપતાં ટી સ્ટોલ સંચાલકને માર મારવા અને હાઇકોર્ટની અરજી પાછી ખેંચાવવા દબાણ કરવાના કેસમાં 3 CCTV ફૂટેજ રજૂ કરાયા છે. પોલીસ કમિશનર પાસે ન્યાય ન મળતાં વેપારીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ડીસીપી નકુમ વિવાદ બાદ લિંબાયત પોલીસ સામેની આ અરજી પર 21 August ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.