Loading Please Wait !!!
સુરતમાં પોલીસનો ‘સિંઘમ’ અંદાજ: ચપ્પુ બતાવી આતંક મચાવનાર ગુંડાને પોલીસે જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું

 

  • હાથમાં ચપ્પુ લઈને જાનથી મારી નાખવાની ધમકી આપનારના તેવર નરમ પડ્યા; જાહેરમાં કાન પકડી ઉઠક-બેઠક કરી

  •  ક્રિષ્નાનગર સોસાયટીની એ જ ગલીમાં પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું; રહેવાસીઓએ પોલીસની કામગીરી બિરદાવી

  • મધરાતે આતંક મચાવનાર સચીન ચૌધરીના ‘ગુંડાગીરીના નશા’ને પોલીસે મિનિટોમાં ઉતારી દીધો; વિડીયો વાયરલ

    સુરતના લિંબાયત વિસ્તારમાં મધરાતે આતંક મચાવનાર આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. લિંબાયતની ક્રિષ્નાનગર-02 સોસાયટીમાં રિક્ષા અને ક્રેટા કારમાં તોડફોડ કરી રહીશોને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સચીન ધર્મેન્દ્ર ચૌધરીની ધરપકડ બાદ પોલીસે તેને એ જ સ્થળે લઈ જઈને તેની શાન ઠેકાણે લાવી હતી.

    ગઈકાલે ધમકી, આજે જીવની ભીખ ગત 13 એપ્રિલની રાત્રે આરોપી સચીને હાથમાં ચપ્પુ લઈને ગલીમાં બૂમો પાડી હતી કે, ‘જો કોઈ બહાર આવ્યું તો જાનથી મારી નાખીશ’. તે સમયે તેના પર ગુંડાગીરીનો નશો સવાર હતો. જોકે, પોલીસે તેને પકડીને એ જ ગલીમાં સરઘસ કાઢ્યું ત્યારે દૃશ્ય સાવ બદલાઈ ગયું હતું. લોકોની હાજરીમાં જ્યારે પોલીસે ડંડાનો ફટકો માર્યો, ત્યારે જે ગુંડો રહીશોને ધમકાવતો હતો, તે જ અત્યારે પોલીસના પગ પકડીને "સાહેબ ભૂલ થઈ ગઈ, હવે ક્યારેય લિંબાયતમાં પગ નહીં મૂકું" કહી રડમસ અવાજે માફી માંગતો જોવા મળ્યો હતો.

    ગરીબોના નુકસાનનો હિસાબ આરોપીએ મધ્યમ વર્ગના રહીશોની ક્રેટા કાર અને ગરીબ રિક્ષાચાલકોની રિક્ષામાં તોડફોડ કરીને અંદાજે ₹20,000 નું નુકસાન કર્યું હતું. માત્ર પોતાની ધાક જમાવવા માટે નિર્દોષ લોકોના વાહનો તોડનાર આ આરોપીના તેવર પોલીસ સ્ટેશનની હવા ખાતા જ નરમ પડી ગયા છે. પોલીસે આરોપી પાસે જાહેરમાં કાન પકડાવી ફરી ક્યારેય આવું ન કરવાની કબૂલાત કરાવી હતી.

    લિંબાયત પોલીસની આ કામગીરીથી સ્થાનિક રહીશોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે અને ગુંડા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા આરોપીને ભણાવવામાં આવેલા પાઠનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.