ચૂંટણી ટાણે સુરતમાં પોલિટિકલ ફન્ડિંગનો પર્દાફાશ: દિલ્હીથી આંગડિયા મારફતે આવ્યા ₹1.25 કરોડ, AAP કનેક્શન ખુલ્યું
-
સત્યેન્દ્ર જૈનનો પૂર્વ PA આકાશ મિશ્રા સુરતનો હેન્ડલર નીકળ્યો; ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસની મોટી કાર્યવાહી
-
10 એપ્રિલે મોકલાયા હતા ₹19 લાખ; છેલ્લા 6 મહિનામાં કરોડોની હેરાફેરીની કબૂલાત, IT વિભાગને કરાઈ જાણ
-
હિમાંશુ પાહુજા, આકાશ મિશ્રા અને અજય તિવારીની કડી મળી; સુરત ક્રાઈમ બ્રાંચની બાતમીએ ખેલ બગાડ્યો
સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે એક બહુચર્ચિત પોલિટિકલ ફન્ડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી અને સુરત વચ્ચે ચાલતા આ આંગડિયા નેટવર્ક દ્વારા છેલ્લા 5-6 મહિનામાં અંદાજે ₹1.25 કરોડનું ફન્ડિંગ મોકલવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે પોલીસે દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રીના વિશ્વાસુઓ સહિત ત્રણ વ્યક્તિઓના નામ જાહેર કર્યા છે.
આંગડિયા મારફતે લાખોની હેરાફેરી ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે 10મી એપ્રિલના રોજ દિલ્હીથી આંગડિયા મારફતે લાખો રૂપિયા સુરતના પીપલોદમાં રહેતા આકાશ મિશ્રા અને અજય તિવારીને મોકલવામાં આવ્યા છે. પોલીસે પીપલોદની પ્રગતિ નગર સોસાયટીમાં તપાસ હાથ ધરી આકાશ મિશ્રાની પૂછપરછ કરી હતી. જેમાં ખુલાસો થયો હતો કે દિલ્હીના હિમાંશુ પાહુજાએ એક જ અઠવાડિયામાં ₹19 લાખ મોકલ્યા હતા. હિમાંશુ આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર અને આપના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો વિશ્વાસુ હોવાનું મનાય છે.
મંત્રીનો પૂર્વ PA જ મુખ્ય કડી આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે સુરતનો હેન્ડલર આકાશ મિશ્રા દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો પી.એ. (P.A.) રહી ચૂક્યો છે. આકાશે કબૂલાત કરી છે કે તે દિલ્હીથી આવતા રૂપિયા મેળવતો અને તેનું વિતરણ કરતો હતો. પોલીસને આશંકા છે કે આ ફન્ડિંગનો સીધો ઉપયોગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને રિઝવવા કે અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો છે.
ઇન્કમટેક્સ વિભાગ પણ સક્રિય પોલીસે મહિધરપુરાની અરવિંદ હિરેન આંગડિયા પેઢી સહિત અન્ય પેઢીઓમાં પણ તપાસ લંબાવી છે. માત્ર એક જ નહીં પણ અનેક પેઢીઓ મારફતે ફન્ડિંગ આવ્યું હોવાની શંકાને પગલે પોલીસે આ બાબતે ઇન્કમટેક્સ (IT) વિભાગને પણ સત્તાવાર જાણ કરી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.