Loading Please Wait !!!
"સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં કરોડોના ખેલ? બિલ અને ચેકની રકમમાં તફાવત જોઈ નવા ડેપ્યુટી કમિશનર લાલઘૂમ"

  • 31 માર્ચની ડેડલાઇન વચ્ચે વર્ષો જૂની 'લાલિયાવાડી'નો ભાંડો ફૂટ્યો - નિધિ સિવાને અધિકારીઓનો ઉધડો લીધો
  • સ્વાતિ દેસાઈ પાસેથી ચાર્જ લેતા જ નિધિ સિવાને પકડી પાડી ગેરરીતિ - ઓરિજિનલ બિલ અને ચલણમાં મળ્યા મોટા તફાવત
  • "સહી કરતા પહેલા 10 વાર વિચારજો" - ચુકવણામાં વિસંગતતા દેખાતા ડેપ્યુટી કમિશનરે શિસ્તબદ્ધ કામગીરીની આપી તાકીદ

સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે માર્ચ એન્ડિંગમાં કરોડો રૂપિયાના પેમેન્ટ ક્લિયર કરવાની દોડાદોડ થતી હોય છે. જોકે, આ વર્ષે આ દોડાદોડમાં વર્ષોથી ચાલતું એક મોટું કૌભાંડ સપાટી પર આવ્યું છે. પાલિકાના એકાઉન્ટ વિભાગમાં રજૂ થતા બિલો અને ખરેખર થતા ચુકવણામાં આભ-જમીનનો તફાવત હોવાનું નવા નિમણૂક પામેલા ડેપ્યુટી કમિશનરના ધ્યાન પર આવ્યું છે.

બદલી બાદ ફૂટ્યો ભાંડો તાજેતરમાં જ સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલી બદલીઓમાં વિવાદિત અધિકારી સ્વાતિ દેસાઈ પાસેથી એકાઉન્ટ વિભાગનો ચાર્જ લઈ નિધિ સિવાનને સોંપવામાં આવ્યો હતો. નિધિ સિવાને પદભાર સંભાળતાની સાથે જ પેમેન્ટની ફાઈલોની તપાસ કરી હતી, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ઓરિજિનલ બિલની સરખામણીએ ચલણ કે ચેકની રકમમાં મોટી વિસંગતતા છે.

ભ્રષ્ટ અધિકારીઓ સામે લાલ આંખ નવા ડેપ્યુટી કમિશનરે બોલાવેલી બેઠકમાં અધિકારીઓને જાહેરમાં ખખડાવતા જણાવ્યું હતું કે, "આવી લાલિયાવાડી હવે નહીં ચાલે." તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈપણ ચલણ પર સહી કરતા પહેલા બિલની એક-એક વિગત તપાસવી પડશે. જે રીતે અત્યાર સુધી આડેધડ ચુકવણા થતા હતા, તે સિસ્ટમ સામે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. ખાસ કરીને કેપિટલ કામોના પેમેન્ટમાં આ ગેરરીતિ વધુ હોવાની શંકા છે.

ઓનલાઇન સિસ્ટમથી ભ્રષ્ટાચાર પર લગામ 31 માર્ચ સુધીમાં મહત્તમ પેમેન્ટ પતાવવાનું દબાણ હોવા છતાં, ડેપ્યુટી કમિશનરે પારદર્શિતા પર ભાર મૂક્યો છે. હવેથી તમામ અધિકારીઓએ બિલોની વિગતો ઓનલાઇન લિંક પર અપલોડ કરવાની રહેશે, જેથી કયા બિલનું પેમેન્ટ ક્યારે અને કેટલી રકમનું થયું તેનું ટ્રેકિંગ થઈ શકે. આ પગલાથી પાલિકાની તિજોરીને ચૂનો લગાવતા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.