Loading Please Wait !!!
સુરત મનપાની સામાન્ય સભામાં મોંઘા ભજીયાની મિજબાની!

  • સાતસો પચાસ રૂપિયા કિલોના ભાવે ભજીયા મંગાવાયા!
  • પ્રજાના ટેક્સના પૈસામાંથી એક લાખ રૂપિયા ખર્ચાયા!
  • બજાર કરતાં ડબલ ભાવના ભજીયા ઝાપટી જવાયા!

સિટી ન્યુઝ @ સુરત 

સુરત મહાનગરપાલિકાની દિવાળી પૂર્વેની છેલ્લી સામાન્ય સભામાં નગરસેવકો અને અધિકારીઓ માટે મંગાવવામાં આવેલા મોંઘા ભજીયાની મિજબાનીનો મામલો હાલ શહેરમાં ભારે ચર્ચા અને વિવાદનો વિષય બન્યો છે.

બજારમાં સામાન્ય રીતે 350 થી 500 રૂપિયા કિલોના ભાવે મળતા ભજીયા પાલિકા દ્વારા રૂ. 800 ની મૂળ કિંમત પર માત્ર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવીને રૂ. 750 પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવ્યા હતા.

સામાન્ય સભા દરમિયાન 130 કિલોથી વધુ વજનના ભજીયા મંગાવવામાં આવતા માત્ર નાસ્તા પાછળ જ આશરે 1 લાખ રૂપિયાનો માતબર ખર્ચ થતાં પ્રજાના પૈસાના આડેધડ ઉપયોગ સામે સવાલો ઊભા થયા છે.

ચંદની પડવા નિમિત્તે મંગાવવામાં આવેલી ઘારીનું કુલ બિલ આશરે 20 હજાર રૂપિયા થયું હતું, જ્યારે તેની સરખામણીમાં માત્ર ભજીયાનું બિલ તેના કરતાં પાંચ ગણું વધુ આવતા 'કોના બાપની દિવાળી?' જેવા કટાક્ષો થઈ રહ્યા છે.

પ્રજાના વેરાના નાણાંમાંથી ચાલતી પાલિકાની તિજોરીમાંથી કરકસરના નિયમો નેવે મૂકીને આ પ્રકારે મોંઘી મિજબાનીઓ યોજવા સામે વિપક્ષ અને નાગરિકો દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

જનતાના વેરાના પૈસા અને સત્તાધીશોની ઉડાઉ મિજબાનીઓ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પાલિકાઓ જ્યારે પ્રજાના કરવેરામાંથી એકત્રિત થતા ભંડોળનો ઉપયોગ કરે છે, ત્યારે તેમાં નાણાકીય શિસ્ત અને કરકસર અનિવાર્ય માનવામાં આવે છે. સુરત મનપાની સામાન્ય સભામાં 750 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ભજીયા ખરીદીને એક લાખ રૂપિયાનો ધુમાડો કરવાની આ ઘટના વહીવટી સંવેદનશીલતા અને જવાબદારી પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. જ્યારે સામાન્ય નાગરિકો મોંઘવારી વચ્ચે જીવી રહ્યા છે, ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ દ્વારા આ પ્રકારે પ્રજાના પૈસે મોંઘી મિજબાનીઓ ઝાપટવી તે લોકશાહી મૂલ્યોની મજાક સમાન છે. આ પ્રકારના ખર્ચની પારદર્શિતા તપાસવી અને જવાબદારો સામે જવાબ માંગવો એ જાગૃત નાગરિક અને તંત્ર બંનેની પવિત્ર ફરજ છે.